અમેરિકાના ઓહિયોમાં ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર: અનેક લોકો લોહીલુહાણ, સોશિયલ મીડિયા પર દોડધામનો વીડિયો વાયરલ

અમેરિકાના ઓહિયો રાજ્યના ટોલેડો શહેરમાં આયોજિત લોકપ્રિય ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક શનિવારે ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે. વાર્ષિક મહોત્સવની ઉજવણી દરમિયાન અચાનક થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હિંસક હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના દરમિયાન જીવ બચાવવા માટે ભાગતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટોલેડોના ઐતિહાસિક ઓલ્ડ વેસ્ટ એન્ડ વિસ્તારમાં વાર્ષિક ફેસ્ટિવલ નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પરિવારો એકત્રિત થયા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીઓના અવાજથી ગુંજી ઉઠેલા મેળામાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો સુરક્ષિત આશરો શોધવા દોડવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં જ ટોલેડો પોલીસ અને ઇમરજન્સી મેડિકલ સેવાઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ ટોલેડો પોલીસે સત્તાવાર રીતે ગુનો નોંધી વ્યાપક તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ થઈ શકી નથી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હુમલાખોરોનું સચોટ લોકેશન મેળવવા કવાયત કરી રહી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, હજુ સુધી હુમલાખોરોની ઓળખ છતી થઈ નથી અને આ હિંસા પાછળનો મુખ્ય હેતુ પણ અકબંધ છે.
જાહેરમાં બનેલી આ હિંસક ઘટના અંગે ઓહિયોના ગવર્નર માઈક દેવાઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઉનાળાના તહેવારો પરિવારો અને બાળકો માટે ખુશીઓ વહેંચવા માટે હોય છે, આવા લોકપ્રિય કાર્યક્રમોમાં હિંસા અને બંદૂક સંસ્કૃતિનું પ્રદર્શન સમાજ માટે અત્યંત ચિંતાજનક સંકેત છે. આ સાથે ટોલેડો સિટી કાઉન્સિલના સભ્ય થેરેસા મોરિસે પણ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી ઘાયલો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
આ ભયાનક દુર્ઘટના સમયે સ્થળ પર હાજર યુએસ નેવીના પૂર્વ સૈનિક કેવિન બેરીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ નજીકના આર્બોરેટમ વિસ્તારમાં લાઈવ મ્યુઝિકનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો હતો. પૂર્વ સૈનિક તરીકે પરિસ્થિતિ પારખીને તેમણે તાત્કાલિક આસપાસના લોકોને જમીન પર સૂઈ જવાની સૂચના આપી, જેથી અનેક લોકોના જીવ બચી શક્યા હતા. ફાયરિંગ બંધ થયા બાદ તેમને ઘટનાસ્થળથી માત્ર 50 ફૂટના અંતરેથી હુમલાખોરોએ છોડેલી એક બંદૂક જમીન પર પડેલી જોવા મળી હતી, જે પોલીસે કબજે કરી છે.
- Advertisement -
- Advertisement -