35 C
Ahmedabad
Monday, June 1, 2026

યુએન મુખ્યાલયમાં ગુંજશે ભારતનો ડંકો: મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત ‘જેન્ડર એડવોકેટ એવોર્ડ’, બે શહીદ જવાનોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન


સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આજે ભારતીય સેનાના મેજર અભિલાષા બરાકને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવશે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNIFIL) માં આપેલા અપ્રતિમ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત ”યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ” માટે નામાંકિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયાના દેશ લેબનાનમાં તૈનાત રહેવા દરમિયાન મહિલાઓ અને બાળકીઓ સાથેના સંપર્ક અને સશક્તિકરણના પ્રશંસનીય પ્રયાસો માટે તેમને વર્ષ 2025નો આ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરાશે. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આજે એટલે કે 29 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક દિવસ’ નિમિત્તે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવશે. મેજર અભિલાષા બરાક હાલમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બળ લેબનાનમાં મહિલા સહભાગિતા દળ (FET) ના કમાન્ડર તરીકે ભારતીય બટાલિયનમાં કાર્યરત છે.નોંધનીય છે કે, તેઓ ભારતીય સેનાના પ્રથમ મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ પણ છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર ભારતની વિરાસત અને બલિદાનને પણ સલામી આપશે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આજે ભારતના બે વીર શાંતિ રક્ષકોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન ‘ડેગ હેમર્સોલ્ડ મેડલ’ થી નવાજશે. આ બહાદુર જવાનોમાં લાન્સ હવાલદાર હરભજન સિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનનો સમાવેશ થાય છે. લાન્સ હવાલદાર હરભજન સિંહે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થિરીકરણ મિશનમાં અદભુત સેવા આપી હતી.જ્યારે નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન સાઉથ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ પોતાની ફરજ બજાવતા શહીદ થયા હતા. વૈશ્વિક શાંતિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આ જવાનોનું સન્માન સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.

ભારત માટે આ બેવડો ગૌરવનો પ્રસંગ છે. કારણ કે મેજર અભિલાષા બરાક દેશની ત્રીજી એવી મહિલા અધિકારી છે જેમને લિંગ સમાનતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે. તેમના પહેલા મેજર સુમન ગવાની અને મેજર રાધિકા સેનને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં તેમના સરાહનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. મેજર સુમન ગવાનીએ સાઉથ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેવા આપી હતી અને વર્ષ 2019નો આ એવોર્ડ બ્રાઝિલના નૌસેના અધિકારી કમાન્ડર કાર્લા મોન્ટેઇરો ડી કાસ્ટ્રો અરાઉજો સાથે સંયુક્ત રીતે મેળવ્યો હતો. જ્યારે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન સ્થિરીકરણ મિશનમાં સેવા આપી ચૂકેલા મેજર રાધિકા સેનને વર્ષ 2023ના ‘મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016 માં શરૂ કરાયેલો આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1325 (મહિલા, શાંતિ અને સુરક્ષા) ના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે એનાયત કરવામાં આવે છે.જે શાંતિ સ્થાપવાના કાર્યોમાં મહિલાઓની ભાગીદારીને મજબૂત કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનોમાં સૌથી વધુ સૈનિકો અને પોલીસ દળ મોકલનારા દેશોમાં ભારત હંમેશાં મોખરાનું સ્થાન ધરાવે છે. ફેબ્રુઆરી 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળ (UNIFIL) માં 48 દેશોના 7,538 શાંતિ સૈનિકો સામેલ હતા.જેમાંથી ભારત તરફથી 642 જાંબાઝ કર્મચારીઓ તૈનાત હતા. વૈશ્વિક સ્તરે શાંતિ સેના મોકલવાના આ મામલે ભારત સમગ્ર વિશ્વમાં ઇટાલી (784 સૈનિકો), ઇન્ડોનેશિયા (756 સૈનિકો) અને સ્પેન (660 સૈનિકો) પછી ચોથા ક્રમે આવીને દુનિયામાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -