ગરીબોની બેલી ‘બનાસ સિવિલ’: હૃદયના ગંભીર ચેપથી પીડાતા ત્રણ બાળકોને મોતના મોંમાંથી હેમખેમ બહાર કાઢ્યા, પરિવારની આંખો છલકાઈ

પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબોએ ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડીને ત્રણ માસૂમ બાળકોને નવજીવન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોને છેલ્લા દસ દિવસથી તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી. બાળકોની સ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો તેમને તાત્કાલિક પાલનપુરના બનાસ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસમાં વધુ ઇન્ફેક્શન જોતાં બાળકોને તુરંત જ PICU (બાળ સઘન સારવાર વિભાગ)માં દાખલ કર્યા હતા. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ બાળરોગ નિષ્ણાંતો ડો. આશા પટેલ, ડો. સચિન પટેલ, ડો. હર્ષિદા પટેલ, ડો. વિક્રમ ચૌધરી, ડો. મિતુલ ચૌધરી અને ડો. વરુણ માળી સહિતની ટીમે યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી દીધી હતી.
જ્યારે બાળકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાથી તેમને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ પર રાખીને જરૂરી એન્ટિબાયોટિક દવાઓ અને ઇન્જેક્શન આપવાનું શરૂ કરાયું હતું. તબીબોએ લોહીના રિપોર્ટ અને એક્સ-રે કરાવતા જાણવા મળ્યું કે બાળકો લાંબા સમયથી ન્યુમોનિયાના ગંભીર ચેપથી પીડાઈ રહ્યા હતા. સારવાર દરમિયાન બે બાળકોની સ્થિતિ વધુ બગડતાં તેમને એન.આર.બી.એમ. (NRBM) ઓક્સિજન માસ્ક દ્વારા સતત સાત દિવસ સુધી કૃત્રિમ ઓક્સિજન આપવો પડ્યો હતો. આ જંગ દરમિયાન એક બાળકના હૃદયના ધબકારા અચાનક ઘટી જતાં તબીબોએ સમય સૂચકતા વાપરી તુરંત જ ઈસીજી (ECG), CK-MB અને 2D ઈકો જેવા હૃદયના રિપોર્ટ કરાવ્યા હતા.
તપાસના ચોંકાવનારા રિપોર્ટમાં સામે આવ્યું કે વાયરસના હુમલાને કારણે બાળકના હૃદયના સ્નાયુઓમાં સોજો આવી ગયો હતો, જે તબીબી ભાષામાં “વાયરલ માયોકાર્ડાઇટિસ” નામનો અત્યંત ઘાતક ચેપ ગણાય છે. નિદાન થતાં જ ડોક્ટરોની ટીમે કોઈ પણ ક્ષણ ગુમાવ્યા વગર સ્ટેરોઇડ અને IVIG (ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન) જેવી અદ્યતન અને મોંઘી સારવાર શરૂ કરી દીધી હતી. દર્દીની અત્યંત ગંભીર સ્થિતિને જોતા ૨૪ કલાક મોનિટરિંગ, ઓક્સિજન સપોર્ટ અને સઘન દવાઓ ચાલુ રાખવામાં આવી હતી.
તબીબોની અથાગ મહેનત, અદ્યતન સારવાર અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસની કાળજીના પરિણામે આખરે ચમત્કાર થયો અને દસ દિવસની લાંબી જંગ બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આ જટિલ સારવાર બનાસ સિવિલ હોસ્પિટલમાં તદ્દન મફત (નિઃશુલ્ક) મળતા, પોતાના વહાલસોયા બાળકોને મોતના મોંમાંથી હેમખેમ પાછા ફરેલા જોઈ શ્રમજીવી પરિવારની આંખો નમ થઈ ગઈ હતી અને તેમણે ભીની આંખે તમામ તબીબોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સફળ કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરા અર્થમાં સંજીવની અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
- Advertisement -
- Advertisement -