હોર્મુઝની સામુદ્રધુનીમાં ગુજરાતના જહાજ ‘હાજી અલી’ પર ડ્રોન હુમલો: જહાજ દરિયામાં ગરકાવ, 14 ભારતીય ખલાસીઓનો ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય જળસીમામાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નજીક એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના માલવાહક જહાજ ‘એમએસવી હાજી અલી’ (MSV HAJI ALI) પર મધ્યદરિયે પ્રચંડ ડ્રોન અથવા મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો એટલો શક્તિશાળી હતો કે જહાજમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને અંતે જહાજ દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતીય જહાજને નિશાન બનાવવાની આ ઘટનાથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.
બુધવારે વહેલી સવારે બની ઘટના, આ રીતે થયો બચાવ
મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે આશરે 3:30 કલાકે ‘હાજી અલી’ જહાજ સોમાલિયાના બાર્બરીથી માલ ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ઓમાનના લિમાહ નજીક અજ્ઞાત દિશામાંથી તેના પર હુમલો કરાયો હતો. અચાનક થયેલા આ હુમલા છતાં જહાજ પર સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બરોએ અદ્ભુત હિંમત અને સમયસૂચકતા દાખવી હતી.
જહાજ ડૂબવા લાગતાં તમામ ખલાસીઓએ લાઈફબોટની મદદથી દરિયામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઓમાન કોસ્ટ ગાર્ડની ટીમે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ૧૪ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જહાજના માલિક સુલતાન અહેમદ સંઘરે પુષ્ટિ કરી છે કે, હાલ તમામ ખલાસીઓ ઓમાનના દિબા બંદર પર સંપૂર્ણ સુરક્ષિત છે.
ભારત સરકાર એક્શનમાં: વિદેશ મંત્રાલયની આકરી પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. સત્તાવાર નિવેદન જાહેર કરીને ભારતે આ હુમલાને ‘અસ્વીકાર્ય’ ગણાવી તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, વાણિજ્યિક (કમર્શિયલ) જહાજો અને નિર્દોષ ખલાસીઓને આ રીતે નિશાન બનાવવા તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને દરિયાઈ સરહદના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. સમુદ્રી વેપારના માર્ગો સુરક્ષિત રહેવા જ જોઈએ તે બાબતે ભારતે વૈશ્વિક મંચ પર કડક વલણ અપનાવ્યું છે.
નૌકાદળ એલર્ટ, તપાસનો ધમધમાટ
અરબી સમુદ્ર અને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર વધી રહેલા આ જોખમને પગલે ભારતીય નૌકાદળ (Indian Navy) અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર મુકાઈ ગઈ છે. આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનો ચોક્કસ હેતુ શું હતો.. તે અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના ખલાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને પગલે ચિંતાનો માહોલ છે. પરંતુ તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
- Advertisement -
- Advertisement -