મહેસાણા હચમચ્યું: મિતેન ચૌધરીની હત્યાથી ચૌધરી સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ; પોલીસ છાવણીમાં ફેરવાયું શહેર.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે મહેસાણા શહેરમાં રાજકીય હિંસાની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. શહેરના વોર્ડ નં. 4 માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભાજપના ઉમેદવારના ભાણાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
જાનલેવા હુમલાની વિગત: ઘટનાની વિગતો મુજબ, ગઈકાલે મોડી રાત્રે ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી તેમના મિત્ર ધીમંત ચૌધરી અને અન્ય સાથીઓ સાથે કારમાં તાવડિયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. માનવઆશ્રમ ચોકડી પાસે પૂર્વ આયોજિત કાવતરા મુજબ 4 થી 5 અજાણ્યા શખ્સોએ તેમની કારને ઘેરી લીધી હતી. હુમલાખોરોએ લાકડીઓ, પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે કાર પર તૂટી પડી મિતેન ચૌધરીને નિશાન બનાવ્યા હતા.
સારવાર દરમિયાન તોડ્યો દમ: હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું છે. તેમના મિત્ર ધીમંત ચૌધરી પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ આ અથડામણમાં ઘાયલ થયા હોવાની ચર્ચા છે.
ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: હત્યાના સમાચાર મળતા જ ભાજપના ઉચ્ચ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ અને ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ‘એ’ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ચૂંટણીના આરે જ બનેલી આ ઘટનાએ લોકશાહીના પર્વમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
- Advertisement -
- Advertisement -