વાવની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 મત મળ્યા..અને 2,442 મતની સરસાઈથી જીત મેળવી હતી .જ્યારે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત મળ્યા હતા..તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા હતાં. વાવ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે રસાકસીનો માહોલ હતો..એનું કારણ હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
જ્યારથી તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારથી રાજકીય વિશ્લેષકો સહિત ભાજપ અને કૉંગ્રેસને પણ લાગતું હતું કે અપક્ષ બાજી બગાડી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા. જોકે છેલ્લી ઘડીએ અન્ય રાઉન્ડના મતોની ગણના થઈ એ સાથે જ ભાજપની સરસાઈ વધતી ગઈ.
જોકે,સમગ્ર ગુજરાતની નજર એકમાત્ર બેઠક વાવના પરિણામ પર હતી. એનું એક કારણ એ પણ હતું કે,,અહીં એક સમયે કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર ધારાસભ્ય હતાં. ગેનીબહેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડ્યાં અને સાંસદ બન્યાં બાદમાં બેઠક ખાલી પડી હતી.
નોટામાં પણ 3358 મત પડ્યા
વાવ જીતવામા માવજી પટેલનો રોલ ભાજપ માટે મહત્ત્વનો?
વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ પહેલા વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ અગાઉ 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. વર્ષ 1990માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ થરાદ બેઠક પરથી એકવાર અપક્ષ તરીકે પણ ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
રાજકીય વર્તુળોમાં પહેલેથી ચર્ચા હતી કે, 1990માં જનતાદળથી ચૂંટણી લડીને તે સમયના કૉંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ પટેલને હરાવીને વાવના ધારાસભ્ય બનેલા માવજીભાઇ પટેલ ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા અને લગભગ 30 વર્ષ બાદ ફરીથી ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. ત્યારે ભાજપને જીતાડવામાં તેમનું યોગદાન મહત્ત્વનું સાબિત થયું તેમ કહી શકાય છે. કોઈ પણ કેન્ડિડેટને જીતાડવા માટે ઘણા મોટા અંશે ખાસ કરીને રુરલ વિસ્તારોમાં જ્યારે ચૂંટણી યોજાતી હોય ત્યારે સમાજ તેની જીત પાછળ મોટો ભાગ ભજવતો હોય છે. રુરલ વિસ્તારોમાં મોટાભાગે સમાજના બેઝ પર જ ઈલેક્શનો લડવામા આવતા હોય છે. ત્યારે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામા કદાચ કોંગ્રેસે કાચુ કાઢ્યું હોય એવી ચર્ચા પહેલેથી જ હતી. કારણ કે સામાજિક વસ્તીની દૃષ્ટિએ જોવા જઈએ તો ગુલાબસિંહનો બેઝ અહીં નબળો દેખાતો હતો. અને બેઝ નબળો હોય અને બેટિંગ કરવા જાઓ તો તકલીફ પડે.
બેઝ વધારે મજબૂત કરવા માટે જ ભાજપે આ વિસ્તારના ઠાકોર સમાજને મહત્ત્વનો ગણતા સ્વરૂપજીને ટીકિટ આપી કારણ કે સ્વરૂપજીએ લોકસભા વખતે સતત મહેનત કરીને આ બેઠક પર ભાજપને પ્લસમા કર્યું હતું અને પોતાનો બેઝ પણ કેટલાક અંશે મજબૂત કર્યો હતો. દરમિયાન માવજી પટેલે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, શરુઆતથી જ માવજીભાઈ ભાજપ તરફી હતા પછી તેમણે બળવો કર્યો અને અપક્ષમાંથી ઉમેદવારી કરી એનો અર્થ એ ના થઈ શકે કે ભાજપની ઠાકોર સિવાયની બીજી મોટી ચૌધરી વોટબેંકમા ગાબડું પડી શકે. એવરેજ ભાજપનો ચૌધરી વોટબેંકનો જે ફીક્સ બેઝ છે એ તો એની સાથે રહેવાનો જ હતો, પરંતુ ભાજપથી જે રિસાયેલો કે અન્ય કોઈ કારણોથી ખફા વર્ગ સીધો કોંગ્રેસમાં ના જાય એ માટે માવજી પટેલને ભાજપે એક વિકલ્પ તરીકે ઉભા કર્યા હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી. આ વિસ્તારમાં મુખ્ય મોટા 2 હરીફ સમાજ છે. ઠાકોર અને ચૌધરી, ચૌધરી સમાજના જે મતો ઠાકોર સમાજના કેન્ડિડેટને નહોતા મળવાના એ સીધા રાજપૂતને મળે એવી પ્રબળ શક્યતાઓ દર્શાઈ રહી હતી. જેને જોતા માવજીભાઈની ભાજપે ગેમચેન્જર તરીકે પસંદગી કરી હોવાનું કહેવાય છે. અને એનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.

