ખેડૂતો મંગળવાર એટલે કે 13 ફેબ્રુઆરી 2024થી દિલ્હી કૂચ કરવા માટે તૈયાર છે. આ પહેલા સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક અનિર્ણિત રહી હતી. આ બેઠક પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. એક ખેડૂત નેતાએ કહ્યું કે ખેડૂતો મંગળવારથી દિલ્હી તરફ કૂચ શરૂ કરશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, અમને નથી લાગતું કે સરકાર અમારી કોઈપણ માંગ પર ગંભીર છે. અમને નથી લાગતું કે તેઓ અમારી માંગણીઓ પૂરી કરવા માગે છે.
અગાઉ, કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા, જેમણે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સાથેની બેઠકમાં હાજરી આપી હતી, જણાવ્યું હતું કે મોટાભાગના મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે અને સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે બાકીના મુદ્દાઓને સમિતિની રચના દ્વારા ઉકેલવામાં આવે. તેમણે કહ્યું કે, સરકાર હંમેશા ઈચ્છે છે કે અમે દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકીએ. અમે હજુ પણ આશાવાદી છીએ અને સંવાદનું સ્વાગત કરીએ છીએ.
બેઠકમાં કઈ બાબતો પર સહમતિ થઈ ન હતી?
ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ સેક્ટર 26માં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે ખેડૂત નેતાઓ સાથે બેઠકનો બીજો રાઉન્ડ યોજ્યો હતો. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેર અને અન્ય લોકો સાંજે 6.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.

