ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રાજ્યના 40 શહેરોમાં થયેલી ઠગાઈ અને છેતરપિંડીના કેસોની વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. 3800 કરોડની છેતરપિંડીના કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા છે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ છેતરપિંડી
રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, ગુજરાતીઓ સાથે વર્ષ 2021માં 884.36 કરોડ, વર્ષ 2022માં 1584 કરોડ અને વર્ષ 2023માં 1572 કરોડની છેતરપિંડી અને ઠગાઈ થઈ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ છેતરપિંડી અને ઠગાઈ થઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વિકાસની ગતિ ઝડપી છે અને અહીં લોકો દરરોજ અબજો રૂપિયાનો આર્થિક વ્યવહાર કરતા હોય છે. તેવી સ્થિતિમાં આ શહેરોમાં નાણાકીય છેતરપિંડી અને ઠગાઈના ગુનાઓ પણ વધ્યા છે.
કુલ 9845 આરોપીની ધરપકડ, 2322 આરોપીની હજી પણ શોધ
રાજ્ય સરકારે 31 માર્ચ 2023ની સ્થિતિએ રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઈ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી, જેમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારે જણાવ્યું કે, લોકો સાથે નાણાકીય છેતરપિંડીના ગુનાઓમાં પોલીસ દ્વારા કુલ 9845 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઠગાઈ કેસમાં 2322 આરોપીની હજી પણ શોધ કરાઈ રહી છે.

