કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ જો તમે એને ચાખશો તો મરી જશો. તમે વિચારી શકો છો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, તેમણે જે આપ્યું છે તે અમે જોઈશું. જેવું તમે એને ચાખશો, સંપૂર્ણ રીતે સૂઈ જશો.
ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, આ નિવેદન પર વિવાદ થવાના થોડા સમય બાદ તેમનો ખુલાસો પણ આવી ગયો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આ વાત નથી કરી. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે તેમના નિવેદન પરથી કોંગ્રેસની હતાશા દેખાઈ આવે છે. ખડગેનો વીડિયો ટ્વીટ કરીને તેમણે લખ્યું – હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું ‘ઝેરી સાપ’… સોનિયા ગાંધીના ‘મૌત કે સૌદાગર’થી આ શરૂ થયું… અને આનો અંત કેવી રીતે થયો, અમે જાણીએ છીએ. કોંગ્રેસ સતત ખાડામાં ઉતરી રહી છે. આ હતાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તે આ વાત જાણે છે.
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે
કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. અહીં 10 મેના રોજ મતદાન કરવામાં આવશે, જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

