હાલ રાજ્યમાં લોકો આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. જો કે, ઉનાળાની શરૂઆતમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરાં પડ્યા હતા, જેથી લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. ત્યારે છેલ્લા અમુક દિવસથી તાપમાન વધતા રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો આગ ઝરતી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 26, 27 અને 28 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેતીવાડી વિભાગને આ મામલે પત્ર લખાયો હોવાની માહિતી છે. પાકની યોગ્ય જાળવણી કરવા જગતના તાત અને સંબંધિત વિભાગ, સંસ્થાઓને સૂચના અપાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, 28 એપ્રિલે રાજ્યના કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોડાઉદેપુર, તાપી, દ્વારકા, જામનગર, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
27મીએ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
જ્યારે 27 એપ્રિલના રોજ નર્મદા, તાપી, દાહોદ, અમરેલી, કચ્છ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. 26 એપ્રિલની વાત કરીએ તો નર્મદા, તાપી, ડાંગ અને દાહોદ સહિતના જિલ્લાઓમાં માઠવું પડવાની શક્યતા છે. આ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધતા હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય અંગે વધુ સાવધાન અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

