કર્ણાટકના ધારવાડમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ બીજેવાયએમ કાર્યકરની હત્યા કરી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી તેનું નામ પ્રવીણ કુમાર છે. પ્રવીણ ભારતીય જનતા યુવા મોરચાના ધારવાડ એકમના સભ્ય અને ગ્રામ પંચાયત ઉપપ્રમુખ હતા. મંગળવારે રાત્રે તેની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. આ કેસમાં પોલીસ કસ્ટડીમાં 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.
ધારવાડના પોલીસ અધિક્ષક બી લોકેશે જણાવ્યું કે, આ ઘટના કોટ્ટુર ગામની છે. આ ઘટના અહીં ઉદાચમ્મા દેવી મંદિર ઉત્સવ દરમિયાન બની હતી. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો નશાની હાલતમાં ત્યાં પહોંચ્યા અને હોબાળો મચાવ્યો, જ્યારે ઉત્સવમાં હાજર કેટલાક યુવકોએ તેમને રોક્યા તો તેઓ મારપીટ કરવા લાગ્યા.
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રવીણે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તો નશામાં ધૂત લોકોએ તેના પર છરી વડે હુમલો કર્યો. આમાં તેમનું મૃત્યુ થયું. તેમણે જણાવ્યું કે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને હત્યામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
તેજસ્વી સૂર્યાએ શોક વ્યક્ત કર્યો
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, ધારવાડ જિલ્લામાં બીજેવાયએમના કાર્યકારી સભ્ય પ્રવીણ કુમારની હત્યા દુઃખદાયક છે. રાજકીય અદાવતના કારણે ભાજપના વફાદાર કાર્યકર પ્રવીણની હત્યા કરવામાં આવી. આ નિંદનીય છે. પ્રવીણના પરિવારને ન્યાય અપાવવા ઈમાનદારીથી કામ કરશે.

