માણસા તાલુકાના મહુડીમાં આવેલા સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ.45 લાખની કિંમતનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોરી કરવાના આરોપમાં બે ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બંને આરોપીઓને માણસા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન રિકવર કરી છે.
આ વખતે સોનાનું વરખ 700થી 800 ગ્રામ ઓછું નીકળતા શંકા થઈ
જણાવી દઈએ કે, મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામના 8 ટ્રસ્ટીઓ પૈકીના એક ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય બે ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા વિરુદ્ધ મંદિરમાંથી સોનાના વરખ, સોનાની ચેઇન સાથે ભંડારામાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, આ વખતે સોનાનું વરખ 700થી 800 ગ્રામ ઓછું નીકળતા શંકા થઈ હતી. આથી મંદિરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને સાથે જ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હતી.
CCTVમાં પણ બંને ટ્રસ્ટીઓની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ
પૂછપરછ દરમિયાન થોડા દિવસો પહેલાં નિલેશભાઈ અને સુનિલભાઈ સ્ટાફની હાજરીમાં સોનાના વરખની ડોલ અને સોના-ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે સ્ટાફને જમવા મોકલી દીધા હતા. જોકે, સ્ટાફ જમીને પરત આવ્યો તો બંને ટ્રસ્ટીઓ પાસેના થેલા ગાયબ હતા. જ્યારે સીસીટીવીમાં પણ બંને ટ્રસ્ટીઓની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ હતી. આથી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ગઈકાલે બંને આરોપીની ધરપકડ કરી સોનાની ચેઇન રિકવર કરી હતી. જ્યારે આજે બંનેને માણસા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

