કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાં લગભગ 10 મહિના સમય બાદ શનિવારે (1 એપ્રિલ) ના રોજ મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળશે. જેલમાંથી બહાર આવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, અત્યારે લોકશાહી નામની કોઈ વસ્તુ રહી નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા પડી જશો.
તેમણે કહ્યું કે, હું બંધારણને મારી પુસ્તક માનું છું, હાલ સરમુખત્યારશાહી ચાલી રહી છે. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી તે આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું. સિદ્ધુએ વધુમાં કહ્યું કે, મને બપોરના સુમારે મુક્ત કરવામાં આવનાર હતો, પરંતુ તેઓએ તેમાં વિલંબ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મીડિયાના લોકો ત્યાંથી નીકળી જાય. આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી. તે સરકારને હચમચાવી નાખશે.
રોડ રેજ કેસમાં એક વર્ષની સજા
અગાઉ, શનિવારે ઘણા કોંગ્રેસી નેતાઓ અને સમર્થકો જેલની બહાર ભૂતપૂર્વ ક્રિકેટર અને નેતાની મુક્તિ પર ભવ્ય સ્વાગત કરવા માટે એકઠા થયા હતા અને ‘નવજોત સિદ્ધુ ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા. 1988ના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. કોંગ્રેસના પંજાબ યુનિટના પૂર્વ અધ્યક્ષે પટિયાલાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ તેને ગત વર્ષે 20 મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

