આજે દેશમાં લોકશાહી પર ખતરો છે, દેશનું બંધારણ મોદી સરકાર દ્વારા તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવા આરોપ સાથે અમદાવાદ યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવા કોંગ્રેસના આગેવાનો દ્વારા બસ રોકો આંદોલન કરીને મોદી સરકાર સામે ઉગ્ર સુત્રોચાર કર્યો હતો. રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા બે વર્ષની સજા અને સાંસદનું સભ્યપદ રદ કર્યા પછી સમગ્ર દેશમાં યુવા કોંગ્રેસના નેતાઓ આંદોલન પર ઉતરી આવ્યા હતાં.

અમદાવાદના મેમ્કો ચાર રસ્તા, નરોડા ખાતે અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મોદી સરકાર સામે સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાલની ભાજપ સરકાર લોકોશાહીની હત્યા કરવા માટેનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીના પ્રશ્નોથી મોદી સરકાર ડરી રહી છે. આજે મોદીના રાજમાં લોશાહી પર ખતરો આવી પડ્યો છે. તેવા આરોપ પણ મુકવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહએ કહ્યું હતું કે, દેશના હિત માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે ત્યારે મોદી સરકારને ગમતું નથી અને પોતાનું અહંકારી વલણ અને તેમની લોકશાહીનું હનન કરવા માટે નીતિ દેશ માટે ખતરારૂપ સાબિત થઇ રહી છે.

આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વનોલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગૌરાંગ મકવાણા, જયમીન સોનાર, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જયમાન શર્મા વગેરે યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યાં હતા.

