ડાકોરમાં હવે રણછોડજીને વસ્ત્ર ધરાવવા ઓનલાઇન નોધણી સવારના વસ્ત્ર માટે 5 હજાર, સાંજના વસ્ત્ર માટે 2500 લાગો ભરવો પડશે યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય ભગવાનના વસ્ત્ર માટે વેબસાઇટ પર નોધણી શરૂ કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશમાં રહેતા ભક્તો 20 માર્ચથી મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પર અોનલાઇન નોંધણી કરી શકશે. દેશ- દુનિયાના કરોડો શ્રધ્ધાળુઓ રાજા રણછોડ પર અતુટ શ્રધ્ધા ધરાવે છે. જેને ધ્યાનમાં રાખીને તિથી તેમજ અમુક દિવસોએ ભક્તો ભગવાનને વસ્ત્રો ધરાવવાની ઈચ્છા ધરાવતાં હોય છે. ત્યારે આગામી તા.1 એપ્રિલ 2023 થી તા.31 માર્ચ 2024 સુધી રણછોડરાય ભગવાનને સવારના તેમજ સાંજના વસ્ત્રો ધરાવવા માટે આગામી તારીખ 20 મી માર્ચથી ઓનલાઈન નોંધણી www. ranchhoraiiji. org પર લોગ ઈન કરી તેમાં રજીસ્ટ્રેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરીની પોતાની પસંદગીની તારીખે વસ્ત્રની નોંધણી કરી શકશે.
જેમા મંદિર પ્રશાસન તરફથી સવારના વસ્ત્ર માટે રૂ.5 હજાર અને સાંજના વસ્ત્ર માટે રૂ.2500નો લાગો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે લાગાની આ રકમ ઓનલાઈન જમા કરાવ્યાં બાદ વસ્ત્ર નોંધણીની તારીખ અંગેની અરજી માન્ય થશે. ઉપરાંત લાગાની રકમમાં વસ્ત્રનાં કાપડ તેમજ સિલાઈનો ખર્ચનો સમાવેશ થતો ન હોવાનું તેમજ વસ્ત્રની નોંધણી કરાવનાર શ્રધ્ધાળુઓએ ઋતુ અનુસાર વસ્ત્રનું કાપડ લાવવાનું રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું.

