પાકિસ્તાનની ધરતી ફરી એકવાર વિસ્ફોટથી હચમચી ગઈ છે. પેશાવરની એક મસ્જિદમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 61 લોકોના મોત થયા હતા. જ્યારે 158 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.. ઘટના બાદ મેડિકલ ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. તહરિકે એ તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે.
કહેવાય છે કે હુમલામાં ઓછામાં ઓછા 25 પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
બ્લાસ્ટ બાદ મસ્જિદની આસપાસ અંધાધૂંધીનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા..
પાકિસ્તાનના વડપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે… અને કહ્યું છે કે અલ્લાહને સજદા કરનારા મુસ્લિમોની ક્રૂર હત્યા પવિત્ર કુરાનના ઉપદેશોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે મસ્જિદને નિશાન બનાવવું એ દર્શાવે છે કે હુમલાખોરોને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આતંકવાદીઓ પાકિસ્તાનને નિશાન બનાવીને સુરક્ષા કરનારાઓમાં ડર પેદા કરવા માંગે છે.

