
૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસુતિ…. કોઈ પણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે ૧૦૮ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.
આવો જ એક કિસ્સો છોટા ઉદયપુર જિલ્લાના જામેલી ઝેર ગામમાં બન્યો કે જ્યાં ૨૭ વર્ષીય સગર્ભા મહિલા સંબુડીબેન રાઠવાને વહેલી સવારે ૫-૦૦ વાગ્યાના સુમારે પ્રસુતિની પીડા ઉપાડતાં ઝોઝ ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ અંગેની જાણ થતાં જ ઝોઝ ૧૦૮ ના ઇ. એમ.ટી. હિતેશ ઠાકોર અને પાયલોટ જયરાજભાઈ પટેલ ગણતરીની મિનિટોમાં જ છોટા ઉદયપુર જીલ્લાના જામેલી ઝેર ગામે પહોંચી ગયા હતાં. તે સમયે વહેલી સવારે ૫-૦૦ વાગ્યાં હતાં. ચારે તરફ અંધકાર અને કંડકતી ઠંડી હવા બીજી તરફ પ્રસુતાનો ચિત્કાર… કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો…
પરંતુ જેનું નામ ૧૦૮ની સેવા છે એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલ સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડયા બાળકો હોવાનું માલુમ પડ્યું.
આ ઉપરાંત પ્રસુતિની પીડા અને ખાસો સમય થયો હોવાથી અને જોડિયા બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું.
બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી પ્રસુતિ ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું.
આ સંજોગોમાં ૧૦૮ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લીધી અને પરિસ્થિતિને અનુલક્ષીને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી.
પરંતુ પ્રસુતિ માં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું ન હતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના ગળામાં નાળ વિટાળેલી હતી તથા હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.
આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું પરંતુ તેથી ૧૦૮ના સાથે તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ (BVM) આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશિયન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું.
સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું.
ત્યારબાદની ૨૦ મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં..જેને પગલે સગર્ભા માતાની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં.૧૦૮ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું સાથે-સાથે માતાને પણ પ્રસુતિની પીડામાંથી મુક્તિ અપાવી જીવ બચાવ્યો હતો. ૧૦૮ની સેવાને લીધે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો.
આ બંને નવજાત શિશુને ત્યારબાદ ઓક્સિજન અને જરૂરી દવા આપીને તેમને વધુ સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઝોઝ ખસેડવામાંમાં આવ્યાં હતાં.
ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકો અને સગર્ભા સ્વસ્થ હોવાથી પુષ્ટિ કરી હતી. માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.
૧૦૮ સેવાના જિલ્લા અધિકાર મહેન્દ્રસિહ ચૌહાણ આ કાર્ય માટે ઝોઝ ૧૦૮ સેવાના બન્ને કર્મચારીઓને ઉત્તમ કામગીરી માટે પ્રસંશા કરવામાં આવી.
આ ક્ષણે સગર્ભા માતાના પરિવારજનો સરકારશ્રીની યોજનાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો આજે ૧૦૮ની સેવા ન હોત તો અમે અમારી પુત્રવધુ અને સાથે સાથે તેના બે કુમળા બાળકોને પણ ગુમાવી બેઠા હોત અને જો તેવું થયું હોત તો અમે અમારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકત, તે સાથે સમાજને અને પુત્રવધુના પરિવારને અમે શું જણાવ્યું હોત…??? તેની કલ્પના જ ખૂબ ભયાનક લાગે છે તેમ તેમણે અહોભાવ ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું., સરકારશ્રીની નિઃશુકલ ૧૦૮ એમ્બ્યુલસ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી શકાયાં છે. ખરા અર્થમાં ૧૦૮ની સેવા માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં ૧૦૮ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે.
જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવાં માટે તાલીમબદ્ધ કર્મચારીઓથી સુસજ્જ એવી છોટા ઉદયપુર જિલ્લાની ૧૦૮ ની સેવા હંમેશા તત્પર અને કટિબદ્ધ રહે છે તેમ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું.

