રેમન્ડના પૂર્વ ચેરમેન પદ્મ ભૂષણ ડો. વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન
ભારતીય ક્લોધિંગ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન તેમજ પદ્મ ભૂષણથી સન્માનિત ડો. વિજયપત સિંઘાનિયાનું શનિવાર સાંજે મુંબઈમાં નિધન થયું છે.87 વર્ષીય સિંઘાનિયાએ જીવનપર્યંત સખત મહેનત કરીને રેમન્ડ લિમિટેડને સફળતાના શિખરે પહોંચાડી હતી. વિજયપત સિંઘાનિયાના નિધનની જાણકારી તેમના પુત્ર અને વર્તમાન ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ ‘X’ પર પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતા શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું, “RIP ઓમ શાંતિ.”
રેમન્ડને અપાવી વૈશ્વિક ઓળખ
સિંઘાનિયાએ 1980 થી 2015 દરમિયાન રેમન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી હતી. તેમના નેતૃત્વમાં કંપનીએ ‘કમ્પ્લીટ મેન’ બ્રાન્ડ સ્થાપિત કરી, જે પ્રીમિયમ શૂટિંગ ફેબ્રિકથી લઈને ડેનિમ, સિમેન્ટ અને સ્ટીલ સુધી વિસ્તરી હતી.ઓમાનમાં પ્રથમ વિદેશી શોરૂમ ખોલીને તેમણે ભારતીય ટેક્સટાઈલને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવ્યું હતું.એક કુશળ વિમાનચાલક તરીકે લંડનથી એકલા ઉડાન ભરવા સહિત અનેક વિશ્વ વિક્રમો પણ તેમના નામે નોંધાયેલા છે.
રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પદ્મ ભૂષણથી સન્માનિત, રેમન્ડના પૂર્વ ચેરમેન અને બોમ્બેના પૂર્વ શેરિફ વિજયપત સિંઘાનિયાનું આજે સાંજે શાંતિપૂર્વક નિધન થયું છે.તેમના અંતિમ સંસ્કાર 29 માર્ચ 2026 ના રોજ કરવામાં આવશે. અમે સૌ ગહન શોકમાં છીએ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.” સિંઘાનિયા પરિવારનો આ વારસો કાનપુરના ઔદ્યોગિક વાતાવરણમાંથી નીકળ્યો હતો.કાકા જી.કે.સિંઘાનિયા દ્વારા સ્થાપિત રેમન્ડને તેમણે 12,000 કરોડનું સામ્રાજ્ય બનાવ્યું હતું.
તેમના નામે નોંધાયેલો હતો વર્લ્ડ રેકોર્ડ
બિઝનેસ ઉપરાંત વિજયપત સિંઘાનિયા એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્રે પણ ખૂબ પ્રખ્યાત હતા. 26 નવેમ્બર 2005ના રોજ તેમણે ગરમ હવાના ફુગ્ગા (Hot Air Balloon) થી સૌથી ઊંચી ઉડાન ભરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. મુંબઈથી પ્રસ્થાન કરીને તેમણે કેમરૂન Z-1600 બલૂનમાં કલાકોની સાહસિક મુસાફરી ખેડી અને 21,027 મીટર (68,986 ફૂટ) ની અભૂતપૂર્વ ઊંચાઈ હાંસલ કરી હતી. અગાઉનો રેકોર્ડ 64,997 ફૂટનો હતો.જેને તેમણે તોડી નાખ્યો હતો.67 વર્ષની વયે આ સાહસિક સિદ્ધિ ગિનીસ બુકમાં નોંધાઈ હતી.
- Advertisement -
- Advertisement -