આંધ્રપ્રદેશમાં મુસાફર બસ અને ટિપર ટ્રક વચ્ચે ભીષણ ટક્કર: આગમાં 8 લોકો જીવતા હોમાયા, 18 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લામાં રાયવરમ નજીક હાઇવે પર ગુરુવારે મુસાફરોથી ભરેલી બસ અને કપચી ભરેલી ટિપર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે..પ્રચંડ ટક્કર બાદ બંને વાહનો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે બસમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી…આ ભીષણ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ જીવતા દાઝી જવાથી મોત નીપજ્યા છે.. જ્યારે 18 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માત બાદ તરત જ ભભૂકી ઉઠી આગ, મુસાફરો ફસાયા
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર થતાની સાથે જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બસના પાછળના ભાગમાં બેઠેલા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડા અને આગની જ્વાળાઓને કારણે શ્વાસ રુંધાવાથી અને દાઝી જવાથી 8 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો…સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બસમાંથી બચી ગયેલા 18 ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
કાટમાળમાં હજુ પણ મૃતદેહો હોવાની આશંકા
માર્કાપુરમના પોલીસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (DSP) નાગરાજુએ આ ભયાનક ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં અંદાજે 8 લોકો જીવતા હોમાયા છે.અત્યાર સુધીમાં 18 ઇજાગ્રસ્તોને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. બસની ભીષણ આગને કારણે મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે..આશંકા છે કે હજુ પણ કેટલાક મૃતદેહો બસના કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે. જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા પ્રયાસો ચાલુ છે.”
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યો ઊંડો શોક
અકસ્માતની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ દ્વારા મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિવારોને સોંપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેની ખાતરી કરવા માટે તંત્રને સૂચના આપી છે.
- Advertisement -
- Advertisement -