અમેરિકાને ઈરાનની આરપારની ચેતવણી: ‘આંખના બદલે હવે માથું વઢાશે’, ખાડીમાં ડુબાડી દેવાની આપી ધમકી
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યો છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાનના સાર્વભૌમત્વ પર આંચ આવશે તો તેનો અંજામ ભયાનક હશે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મુજતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રઝાઈએ જણાવ્યું છે કે, અમેરિકા પાસે આ “યુદ્ધના દલદલ” માંથી સુરક્ષિત બહાર નીકળવા માટે હવે ઘણો ઓછો સમય બચ્યો છે.
‘આંખના બદલે આંખ નહીં, હવે સીધું માથું’
મોહસેન રઝાઈએ એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં રણશિંગું ફૂંકતા કહ્યું કે, “જો અમેરિકા ઈરાનના પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) કે એનર્જી પ્લાન્ટ્સ પર હુમલો કરવાની ભૂલ કરશે, તો અમારો વળતો પ્રહાર ‘આંખના બદલે આંખ’ની જૂની નીતિ મુજબ નહીં, પરંતુ ‘આંખના બદલે માથું‘ લેવાની નીતિ પર હશે.” તેમણે ઉમેર્યું કે ઈરાની સેના અમેરિકાને પેરાલાઈઝ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેમને ખાડીના પાણીમાં ડુબાડી દેશે.
ટ્રમ્પની વ્યૂહરચના પર કટાક્ષ
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 5 દિવસ માટે ઈરાન પરના હુમલા રોકવાની જે જાહેરાત કરી હતી, તેને રઝાઈએ માત્ર એક ‘સાયકોલોજિકલ વોરફેર‘ (મનોવૈજ્ઞાનિક યુદ્ધનીતિ) ગણાવી છે. તેમણે કહ્યું કે આવી હરકતોથી ઈરાનનું ધ્યાન ભટકશે નહીં અને તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે.
યુદ્ધ વિરામ માટે ઈરાનની 3 મુખ્ય શરતો
ઈરાને શાંતિ સ્થાપવા માટે અમેરિકા સામે આકરી શરતો મૂકી છે, જે નીચે મુજબ છે:
-
યુદ્ધનું વળતર: અત્યાર સુધી થયેલા તમામ આર્થિક અને માળખાગત નુકસાનનું પૂરું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે.
-
પ્રતિબંધોની નાબૂદી: ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને વેપારી પ્રતિબંધોને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે.
-
હસ્તક્ષેપ પર રોક: ભવિષ્યમાં ઈરાનની આંતરિક બાબતો કે સાર્વભૌમત્વમાં ક્યારેય દખલ ન કરવાની લેખિત ગેરંટી આપવામાં આવે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને ટ્રમ્પના દાવા પર વિવાદ
એક તરફ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે બંને દેશોને ઈસ્લામાબાદમાં વાટાઘાટો માટે આમંત્રણ આપી ‘શાંતિ દૂત’ બનવાની કોશિશ કરી છે. તો બીજી તરફ ટ્રમ્પના દાવા પર વિવાદ છેડાયો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની ઈરાની નેતા સાથે સકારાત્મક વાતચીત થઈ છે.પરંતુ ઈરાને તેને ‘ફેક ન્યૂઝ‘ ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ માત્ર વૈશ્વિક બજારને પ્રભાવિત કરવાનો પેંતરો છે.
- Advertisement -
- Advertisement -