પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દુર્લભ “પેમ્ફિગસ” બિમારીનો સફળ ઈલાજ – રીટુકઝીમેબ ઇન્જેક્શનથી દર્દી સ્વસ્થ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રામપુરા ગામની 40 વર્ષીય લક્ષ્મીબેન ઠાકોરને છેલ્લા લગભગ 6 મહિનાથી મોઢામાં ચાંદા પડવા તેમજ શરીર પર પાણી જેવા ફોડલા થવાની ગંભીર તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.શરૂઆતમાં ગામના સ્થાનિક ડોક્ટર પાસે સારવાર લેવાઈ હતી. પરંતુ કોઈ ખાસ રાહત ન મળતા દિવસો જતાં તકલીફમાં વધારો થતો ગયો હતો.
પરિસ્થિતિ ગંભીર બનતા પરિવારજનોએ લક્ષ્મીબેનને પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગમાં લઈ ગયા હતા.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ દ્વારા વિગતવાર તપાસ કરી જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા..રિપોર્ટના આધારે દર્દીને “પેમ્ફિગસ” નામની દુર્લભ ચામડીની બિમારી હોવાનું નિદાન થયું હતું.બિમારીની ગંભીરતા જોતા દર્દીને તાત્કાલિક દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય દવાઓ આપવામાં આવી હતી.પરંતુ વધુ અસર માટે તબીબોની ટીમ દ્વારા “રીટુકઝીમેબ” નામનું ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન શરીરમાં ખોટી રીતે કામ કરતી રક્ષણ પ્રણાલીને નિયંત્રિત કરીને બિમારીના મૂળ કારણ પર અસર કરે છે. જેના કારણે શરીર પર થતા ફોડલા અને મોઢાના ચાંદા ધીમે ધીમે ઓછા થતા ગયા અને નવી તકલીફ થતી પણ અટકી ગઈ.લગભગ 40 દિવસ સુધી ચાલેલી સઘન સારવાર બાદ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને અંતે લક્ષ્મીબેન સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ સફળ સારવારમાં સ્કિન વિભાગના ડૉ. પ્રિયંકા સોંદરવા, ડૉ. દિનેશ ચૌધરી, ડૉ. દીપક ચૌધરી, ડૉ. કૌશિક ચૌધરી સહિતની તબીબોની ટીમ તેમજ નર્સિંગ સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.દર્દીના પરિવારજનો દ્વારા સફળ સારવાર બદલ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ બનાસ હોસ્પિટલ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પાલનપુર ખાતે બનાસના પશુપાલકોના આર્થિક સહકારથી નિર્માણ પામેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ આજે આરોગ્ય સેવાઓમાં આગવું સ્થાન ધરાવે છે. બનાસડેરીના ચેરમેન તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં મેડિસિન, સર્જિકલ, ઈ.એન.ટી., સ્કીન, ડેન્ટલ અને ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે ઉચ્ચકોટીની સારવાર ઉપલબ્ધ છે.દિવસે 18૦૦ થી પણ વધારે વધુ દર્દીઓને ગુણવત્તાસભર અને સુવિધાસભર સારવાર આપતી આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં આરોગ્યસેવામાં મોખરે બની છે.
- Advertisement -
- Advertisement -