પત્ની નોકરાણી નથી, જીવનસાથી છે: સુપ્રીમ કોર્ટની પતિઓને લપડાક
તાજેતરમાં છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓના સન્માન અને લગ્ન જીવનમાં સમાનતા અંગે અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્ની ઘરનું કામ કે રસોઈ ન કરે, તો તેને ‘ક્રૂરતા’ ગણીને છૂટાછેડાનો આધાર બનાવી શકાય નહીં.
“તમે નોકરાણી સાથે નહીં, જીવનસાથી સાથે લગ્ન કર્યા છે”
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ મહેતાએ કડક શબ્દોમાં જણાવ્યું કે, “તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કર્યા, તમે એક જીવનસાથી સાથે લગ્ન કર્યા છે.” આ સાથે જ જસ્ટિસ વિક્રમ નાથે ઉમેર્યું કે આધુનિક સમયમાં ઘરની જવાબદારીઓ માત્ર સ્ત્રીની જ નથી. રસોઈ બનાવવી કે કપડાં ધોવા જેવા કામોમાં પતિએ પણ ખભેખભા મિલાવીને સહયોગ આપવો પડશે.
શું હતો વિવાદ?
આ કિસ્સો 2017માં લગ્નગ્રંથિથી જોડાયેલા એક દંપતીનો છે, જેમને 8 વર્ષનો પુત્ર છે.
-
પતિના આક્ષેપો: પતિએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે લગ્નના ગણતરીના દિવસોમાં જ પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું. તે સાસુ-સસરા સાથે ગેરવર્તન કરતી હતી, રસોઈ બનાવવાની ના પાડતી હતી અને બાળકના નામકરણ પ્રસંગે પણ પતિના પરિવારને બોલાવ્યા નહોતા.
-
પત્નીનો પક્ષ: પત્નીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે વળતો આક્ષેપ કર્યો કે પતિના પરિવારે તેની પાસે સોના અને રોકડની માંગણી કરી હતી. તેમજ બાળકના જન્મ સમયે પતિનો પરિવાર પોતાની મરજીથી ગેરહાજર રહ્યો હતો.
કાનૂની સફર: ફેમિલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી
-
ફેમિલી કોર્ટ: શરૂઆતમાં ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી, ‘ક્રૂરતા’ના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા.
-
હાઈકોર્ટ: પત્નીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો, જ્યાં હાઈકોર્ટે નીચલી અદાલતનો નિર્ણય રદ કર્યો અને લગ્ન સંબંધ જાળવી રાખવા પર ભાર મૂક્યો.
-
સુપ્રીમ કોર્ટ: હાઈકોર્ટના નિર્ણય સામે પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. કોર્ટે પહેલા બંનેને સમાધાન (Mediation) માટે મોકલ્યા હતા, પરંતુ સફળતા ન મળતા હવે આગામી સુનાવણીમાં બંને પક્ષોને રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો છે.
- Advertisement -
- Advertisement -