અમેરિકામાં રિલાયન્સનો દબદબો: ટેક્સાસમાં સ્થાપશે અત્યાધુનિક ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતને ગણાવ્યું ‘ઐતિહાસિક ભાગીદાર’
વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય ઉદ્યોગ જગત માટે ગર્વ લેવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થિત બ્રાઉન્સવિલે ખાતે એક ભવ્ય અને અત્યાધુનિક ઓઈલ રિફાઈનરી સ્થાપવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રિલાયન્સ અંદાજે 300 બિલિયન ડોલર (અબજ ડોલર) નું જંગી રોકાણ કરશે, જે અમેરિકાના ઉર્જા ઇતિહાસના સૌથી મોટા સોદા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક ભાગીદારી બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ભારત અને રિલાયન્સનો વિશેષ આભાર માન્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ રોકાણને પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને ટેક્સ સુધારાની મોટી જીત ગણાવી છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, છેલ્લા 50 વર્ષોમાં પહેલીવાર અમેરિકામાં આટલી વિશાળ રિફાઈનરીનું નિર્માણ થઈ રહ્યું છે, જે અમેરિકાને ફરીથી ઉર્જા ક્ષેત્રે ‘ગ્લોબલ પાવર’ બનાવશે. ટ્રમ્પે ખાસ ઉલ્લેખ કર્યો કે રિલાયન્સ જેવી ભારતીય કંપનીનું આ જબરદસ્ત રોકાણ અમેરિકી શ્રમિકો, દક્ષિણ ટેક્સાસના અર્થતંત્ર અને ઉર્જા સુરક્ષા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમના મતે, પરમિટ પ્રક્રિયાના સરળીકરણ અને ઉદ્યોગલક્ષી વાતાવરણને કારણે જ આટલા મોટા આંતરરાષ્ટ્રીય સોદાઓ શક્ય બન્યા છે.
બ્રાઉન્સવિલે બંદર પર બનનારી આ નવી રિફાઈનરી માત્ર ઉર્જા ઉત્પાદનમાં વધારો નહીં કરે, પરંતુ તે વિશ્વની સૌથી સ્વચ્છ (Cleanest) રિફાઈનરીઓ પૈકીની એક હશે. આ પ્રોજેક્ટથી અમેરિકી બજારમાં અબજો ડોલરની આર્થિક અસર જોવા મળશે અને દક્ષિણ ટેક્સાસના વિસ્તારમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. વધુમાં, આ રિફાઈનરી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની સાથે વૈશ્વિક નિકાસમાં પણ મોટો ફાળો આપશે. આમ, આ પ્રોજેક્ટ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત થતા આર્થિક અને રાજદ્વારી સંબંધોનો જીવંત પુરાવો બનીને ઉભર્યો છે.
- Advertisement -
- Advertisement -