હચમચાવી દેતી ઘટના: ₹50 લાખ આપ્યા છતાં એજન્ટોએ ભોંયરામાં કેદ કર્યા, “પૈસા નહીં આપો તો કિડની વેચી દઈશું” તેવી ધમકીથી પરિવાર ધ્રૂજી ઉઠ્યો.
વિદેશમાં સ્થાયી થવાની ઘેલછા અને ગેરકાયદેસર ‘ડન્કી રૂટ’ પકડવો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે..તેનો જીવતો-જાગતો અને ભયાનક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે.અમેરિકા જવાની લાલચમાં ગુજરાતનું દંપતી અઝરબૈજાનના ખૂંખાર અપહરણકારોના સકંજામાં ફસાયુ હતુ જેમને ભારત સરકારના હસ્તક્ષેપ બાદ હેમખેમ બચાવી લેવાયું છે.
શું હતી સમગ્ર ઘટના?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે..તેમ છતાં વચેટિયાઓના મોહપાશમાં ફસાઈને લોકો જોખમી રસ્તાઓ અપનાવી રહ્યા છે.આવો જ શિકાર બન્યા ગુજરાતના ધ્રુવ પટેલ (22 વર્ષ) અને દીપિકા પટેલ (32 વર્ષ). મુંબઈના એક એજન્ટે તેમને સુરક્ષિત રીતે અમેરિકા પહોંચાડવાનું વચન આપ્યું હતું.આ માટે ધ્રુવે ₹35 લાખ અને દીપિકાએ ₹15 લાખ જેવી માતબર રકમ ચૂકવી હતી.
અઝરબૈજાનમાં નરક જેવો અનુભવ
1લી ફેબ્રુઆરીએ જ્યારે તેઓ અઝરબૈજાનની રાજધાની બાકુ પહોંચ્યા, ત્યારે એજન્ટે તેમને અમેરિકા મોકલવાને બદલે એક ત્યજી દેવાયેલા ઘરના ભોંયરામાં કેદ કરી દીધા.અહીં માનવતાની તમામ હદો વટાવી દેવામાં આવી.અપહરણકારોએ ધ્રુવના પરિવારને વોટ્સએપ પર લાઈવ વીડિયો કોલ કર્યો અને પરિવારની નજર સામે જ ધ્રુવ પર ક્રૂર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું.
અપહરણકારોએ ધમકી આપી હતી કે જો વધુ પૈસા નહીં મળે તો તેઓ ધ્રુવની કિડની કાઢીને વેચી દેશે..ગભરાયેલા પરિવારે જમીન-મિલકત ગીરવે મૂકીને પણ ₹65 લાખ ચૂકવ્યા..છતાં અપહરણકારોનો લોભ વધતો જ રહ્યો હતો..
‘ઓપરેશન મહિસાગર’: ભારત સરકારની ત્વરિત કાર્યવાહી
જ્યારે સ્થિતિ હાથ બહાર ગઈ, ત્યારે પરિવારે આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક સાધ્યો.સાંસદે તાત્કાલિક વિદેશ મંત્રી એસ.જયશંકરને આ મામલે જાણ કરી.વિદેશ મંત્રાલયના આદેશથી બાકુમાં સ્થિત ભારતીય દૂતાવાસે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને ‘ઓપરેશન મહિસાગર’ હાથ ધર્યું..માત્ર 24 કલાકમાં જ દંપતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવાયુ હતું.
ધ્રુવ અને દીપિકા બાકુમાં ભારતીય દૂતાવાસના સુરક્ષિત રક્ષણ હેઠળ છે.આ ઘટના એ દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે જેઓ એજન્ટોના કહેવા પર ગેરકાયદેસર રીતે વિદેશ જવાનું વિચારે છે.’ડન્કી રૂટ’ માત્ર ગેરકાયદેસર નથી.. પણ તે મોતનો કૂવો છે જ્યાં ડગલેને પગલે લૂંટ, અપહરણ અને જીવનું જોખમ રહેલું છે.
- Advertisement -
- Advertisement -