બજેટ 2026: શું છે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ’? જાણો કેવી રીતે બદલાશે દેશના વિકાસની રફ્તાર
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં દેશના પાયાના માળખાકીય વિકાસ (Infrastructure) ને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક ગેમ-ચેન્જર યોજનાની જાહેરાત કરી છે: ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ’.
આ ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય અડચણોને કારણે અટકેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરવાનો અને દેશના વિકાસ કાર્યોમાં ગતિ લાવવાનો છે.
શું છે આ ફંડ અને તે કેવી રીતે કામ કરશે?
આ ફંડ મુખ્યત્વે બેંકો અને નાણાકીય સંસ્થાઓ (Lenders) માટે એક ‘સુરક્ષા કવચ’ તરીકે કામ કરશે. મોટા પ્રોજેક્ટ્સમાં રહેલા જોખમોને ઘટાડવા માટે તેની કાર્યપદ્ધતિ નીચે મુજબ રહેશે.જ્યારે કોઈ મોટો પ્રોજેક્ટ નિર્માણ હેઠળ હોય ત્યારે તેમાં અનેક અનિશ્ચિતતાઓ હોય છે.જો પ્રોજેક્ટ કોઈ કારણસર મુશ્કેલીમાં મુકાય,તો આ ફંડ ધિરાણકર્તાઓ (Banks) સાથે તેનું જોખમ વહેંચશે. આ ફંડ લોન પર ‘આંશિક ક્રેડિટ ગેરંટી’ પૂરી પાડશે. આનો અર્થ એ છે કે જો લોન પરત કરવામાં કોઈ સમસ્યા સર્જાય, તો ફંડનો અમુક હિસ્સો બેંકોને નુકસાનથી બચાવશે.આ સુરક્ષાને કારણે બેંકો હવે મોટા અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લોન આપવામાં વધુ સુરક્ષિત અનુભવશે અને આત્મવિશ્વાસ સાથે ભંડોળ પૂરું પાડશે.
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કેટલાક જૂના અને જટિલ પડકારો છે, જેનો ઉકેલ આ ફંડ લાવશે:
પ્રોજેક્ટમાં વિલંબ: જમીન સંપાદન કે અન્ય ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટ મોડા પડે ત્યારે રોકાણકારો પીછેહઠ કરતા હોય છે.ખર્ચમાં વધારો (Cost Escalation): સમય મર્યાદા વધતા પ્રોજેક્ટનો ખર્ચ બજેટની બહાર જતો રહે છે.લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ હોવાથી બેંકો મોટું જોખમ લેતા ડરતી હોય છે. ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ’ માત્ર ડેવલપર્સને જ નહીં, પરંતુ બેંકોને પણ આત્મવિશ્વાસ આપશે. આ પગલાથી હાઈવે, રેલ્વે અને પાવર પ્લાન્ટ્સ જેવા મોટા પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે.
- Advertisement -
- Advertisement -