દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન,ગિલ-હાર્દિક પરત ફર્યા પણ રિન્કુ ટીમથી બહાર
સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રાયપુરમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ દરમિયાન જ BCCI એ 5 મેચની ટી20 સિરીઝ માટે 15 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી.સૌથી મહત્વની વાત શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વાપસી છે.જેઓ ઈજા બાદ ટીમમાં પરત ફરી રહ્યા છે.ગિલને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમનો સિરીઝમાં ભાગ લેવો ફિટનેસ પર નિર્ભર રહેશે.જોકે, રિન્કુ સિંહને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. જેમને આ સિરીઝ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ગિલ અને હાર્દિકની વાપસી
ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે, 3 ડિસેમ્બરે રાયપુરમાં ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વોડનું સિલેક્શન કર્યું.સિલેક્શન કમિટીની મીટિંગમાં 5 મેચની સિરીઝ માટે ખેલાડીઓની પસંદગી પર ચર્ચા થઈ. સૌ કોઈ એ વાતની રાહ જોઈ રહ્યા હતા કે શું સિલેક્ટર્સ શુભમન ગિલને પસંદ કરશે કે નહીં. ગિલને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી. જેના કારણે તેઓ પહેલા ટેસ્ટ સિરીઝ અને પછી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા હતા. ત્યારથી તેઓ રિકવરી અને રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.જોકે, સિલેક્ટર્સે ગિલને સ્ક્વોડમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો અને સાથે જ એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમનું રમવું ફિટનેસ પર નિર્ભર રહેશે.વળી, હાર્દિક પંડ્યાની પણ બે મહિના પછી ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ રહી છે.સ્ટાર ઓલરાઉન્ડરે તેની છેલ્લી મેચ એશિયા કપ 2025 માં ફાઇનલ પહેલા રમી હતી.ત્યારબાદ તેઓ ઈજાના કારણે બહાર હતા. પરંતુ હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વાપસી કરીને તેમણે પોતાની ફિટનેસ સાબિત કરી હતી.
રિન્કુ-રેડ્ડી થયા બહાર
અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી20 સિરીઝ રમનારી સ્ક્વોડને જ આ સિરીઝમાં પણ જાળવી રાખી છે. માત્ર એક મોટો ફેરફાર હાર્દિક પંડ્યાને લઈને કર્યો છે અને તેમના માટે મિડલ ઓર્ડરના બેટ્સમેન રિન્કુ સિંહને બહાર કરી દેવાયા છે. રિન્કુને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી20 સિરીઝમાં માત્ર એક મેચમાં તક મળી હતી. પરંતુ તે મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી.એટલું જ નહીં, તેના પહેલા એશિયા કપમાં પણ તેઓ માત્ર એક જ મેચ રમી શક્યા હતા.કુલ મળીને, રિન્કુને આ વર્ષે માત્ર 5 ટી20 મેચમાં પ્લેઇંગ-11 માં તક મળી, જેમાં માત્ર 3 માં જ તેમની બેટિંગ આવી હતી.રિન્કુ ઉપરાંત નીતીશ કુમાર રેડ્ડી પણ આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.
T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત
સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.
- Advertisement -
- Advertisement -