એશિયા કપ 2025: ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, સૂર્યાએ કેપ્ટનશીપ ઇનિંગ રમી
દુબઈમાં રામાયેલી એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતાં.
મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. અગાઉ, ટોસ પછી પણ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.
ગ્રુપ-એની આ મેચમાં, ભારતીય બોલરોએ પાવરપ્લેથી જ દબાણ બનાવ્યું હતું અને પાકિસ્તાની બેટ્સમેનોને અંત સુધી સ્વસ્થ થવાની તક આપી ન હતી. સાહિબજાદા ફરહાન (40 રન) અને શાહીન આફ્રિદી (33 રન) સિવાય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ મેળવી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી.
ભારતીય ટીમ માટે ઓપનર અભિષેક શર્મા અને તિલક વર્માએ 31-31 રનની ઇનિંગ્સ રમી. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 47 રન બનાવ્યા. સૂર્યા-તિલક વચ્ચે ત્રીજી વિકેટ માટે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે ત્રણેય વિકેટ લીધી હતી.
આ જીત સાથે, ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું છે અને ટીમની સુપર-4માં પહોંચવાની શક્યતા પણ વધી ગઈ છે. બીજી તરફ, જો પાકિસ્તાન આગામી રાઉન્ડમાં પ્રવેશ કરવા માંગે છે, તો તેણે UAE સામેની છેલ્લી મેચ જીતવી પડશે.
- Advertisement -
- Advertisement -