કઝાકિસ્તાનમાં બુરખા-હિજાબ પર પ્રતિબંધ,રાષ્ટ્રપતિએ કહ્યું-ચહેરો છુપાવવાને બદલે રાષ્ટ્રીય વસ્ત્રો પહેરો

કઝાકિસ્તાનમાં મહિલાઓ હવે જાહેર સ્થળોએ બુરખા કે હિજાબ પહેરી શકશે નહીં. રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવે સોમવારે નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા.કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકતા કપડાં પહેરી શકશે નહીં. રાષ્ટ્રપતિ ટોકાયેવ કહે છે કે, દેશની સાંસ્કૃતિક ઓળખને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ટોકાયેવે કહ્યું કે, આ કાયદો કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી.પરંતુ તેનો હેતુ લોકોને તેમના પરંપરાગત અને રાષ્ટ્રીય પોશાક પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.તેમણે કહ્યું કે,કઝાકિસ્તાન એક ધર્મનિરપેક્ષ દેશ છે.અહીંની સંસ્કૃતિને જાળવી રાખવાની આપણી જવાબદારી છે.તેમણે દાવો કર્યો કે,ચહેરો ઢાંકતા કપડાં આપણી સાંસ્કૃતિક ઓળખને નબળી પાડે છે.
વર્ષ 2023 માં કઝાકિસ્તાન સરકારે શાળાઓમાં હિજાબ અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે ઘણી છોકરીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, શાળાઓમાં ગણવેશ પહેરવો ફરજિયાત છે.ધાર્મિક પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવે આ પ્રતિબંધ જાહેર સ્થળોએ પણ લાગુ કરવામાં આવ્યો છે.
કઝાકિસ્તાન પહેલા મધ્ય એશિયાના અન્ય દેશોમાં પણ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઉઝબેકિસ્તાનમાં નકાબ પહેરવા બદલ લગભગ 250 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે.તાજિકિસ્તાનમાં જાહેર સ્થળોએ ચહેરો ઢાંકતા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે.હવે કઝાકિસ્તાને પણ આ માર્ગ અપનાવવાનું શરૂ કર્યું છે.
- Advertisement -
- Advertisement -