દહેગામ : રખિયાલ ગામમાં રોજેરોજ વીજળી ગુલ થઇ જતા અઢારે આલમના લોકોએ રાત્રે જીઇબીમાં હોબાળો મચાવ્યો..

ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2003માં ગુજરાતના ગામડાઓમાં 24 કલાક થ્રી ફેઝ (જયોતિગ્રામ યોજના ) ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તેવા હેતુથી આ યોજનાની શરૂઆત કરી હતી..જો કે આ યોજનાને 22 વર્ષ થવા છતા રખિયાલ ગ્રામજનો માટે આ યોજના માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે..ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજે-રોજ વીજળી ગુલ થઇ જતા કંટાળીને અઢારે આલમના 200થી 300 લોકોએ 31મી તારીખે રાત્રે નવ વાગ્યેથી વીજ કચેરી દોઢ કલાક સુધી બાનમાં લઇને વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો…હજુ તો ચોમાસાનો પ્રારંભ પણ થયો નથી..ત્યારે રખિયાલ ગામમાં રાત્રે અને દિવસે લાઇટો જતી રહેતી હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે..ઘણાં સમયથી વીજળી ડુલ થઇ જતા અસહ્ય ગરમી અને બાફના કારણે બાળકો,,વૃદ્ધો,,ગર્ભવતી મહિલાઓ અને બિમાર વ્યક્તિઓની હાલત કફોડી બને છે.


રખિયાલ,,સામેત્રી,,મહેકાલ,ઠારુની મુવાડી,ભાદરોડા સહિતના કેટલાક ગામોમાં સામાન્ય વરસાદ કે પવનના કારણે વીજળી ગુલ થઇ જતા ગામમા અંધારપટ છવાઇ જાય છે..ટેકનિકલ ફોલ્ટનું કારણ સામે ધરીને સમી સાંજથી રાત્રે બેથી અઢી વાગ્યા સુધી લાઇટો બંધ કરી દેતા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો..વીજ ધાંધિયાથી કંટાળીને રોષે ભરાયેલા 200થી 300 લોકોએ રખિયાલ નાયબ ઇજનેરની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો..રખિયાલ ગામના સરપંચ નાથુસિંહ,,ડેપ્યુટી સરપંચ રમેશભાઇ પટેલ,,જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલા,,રખિયાલ ગામના અન્ય આગેવાનો તેમજ યુવાનોએ વીજ કચેરી ખાતે દોડી જઇ હોબાળો મચાવ્યો હતો…જો કે ઓફિસમાં કોઇ અધિકારી હાજર ન રહેતા હતા..ફક્ત ઓપરેટરો હાજર હોવાથી કોઇ યોગ્ય જવાબ મળ્યો ન હતો..


રખિયાલ ગામમાં અવાર નવાર વીજળી ગુલ થઇ જતા ગ્રામજનોએ રખિયાલ સ્ટેશનના વીજ જોડાણ સાથે રખિયાલ ગામનું વીજ જોડાણ કરવાની માંગણી કરી હતી…રખિયાલના સરપંચે કહ્યું કે ફક્ત 20 ફુટના કેબલથી રખિયાલ ગામનું જોડાણ રખિયાલ સ્ટેશનની વીજલાઇન સાથે કનેકશન થઇ જાય તો વીજ સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે એમ છે…પરંતુ અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી…

આ અંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને પણ રજૂઆત કરી હતી..ત્યારે રખિયાલ ગ્રામજનોની રજૂઆત સામે ધારાસભ્યએ પણ સૂરમાંસૂર પુરાવીને સહમતિ દર્શાવી હતી..રાત્રી દરમિયાન ગ્રામજનોની રજૂઆત સમયે વીજ અધિકારીઓ પણ એક બીજા પર ખો આપતા હોવાથી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો..જો આવનારા દિવસોમાં રખિયાલ ગ્રામજનોને વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ નહીં આવે તો સરપંચ સહિતના લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની રજૂઆત બાદ જીઇબીના અધિકારીઓ દ્વારા વીજ ધાંધિયાનું કેવી રીતે નિરાકરણ લાવવામાં આવે છે..
- Advertisement -
- Advertisement -