જમ્મુ-કાશ્મીરમાં બે મોતને લઈને રાજકારણ ગરમાયું છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ઇલ્તિજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કર્યો કે,,અધિકારીઓએ તેના ઘરના દરવાજા બંધ કરી દીધા છે…જેના કારણે તે બહાર નીકળી શકતી નથી.
તેણીએ કહ્યું કે , તેની માતા મહેબૂબા મુફ્તી સોપોર જઈ રહી હતી જ્યાં વસીમ મીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી..જ્યારે હું જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં પોલીસ દ્વારા ત્રાસ ગુજાર્યા બાદ આત્મહત્યા કરનાર માખન દિનના પરિવારને મળવા માંગતી હતી..પરંતુ મને ઘરની બહાર નીકળવા દેવામાં આવી રહી નથી. ઇલ્તિજાએ દાવો કર્યો કે ચૂંટણી પછી પણ કાશ્મીરમાં કંઈ બદલાયું નથી..
બડગામ જિલ્લાના સોપોર વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર સેના દ્વારા કથિત રીતે રોકવામાં આવ્યા બાદ ટ્રક ડ્રાઈવર વસીમ મીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, વસીમે વાહન રોકવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે સેનાએ ગોળીબાર કર્યો હતો.. જેમાં તેનું મોત થયું હતું. બીજી તરફ, કઠુઆ જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં માખન દીનના શંકાસ્પદ મૃત્યુને કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. એવો આરોપ છે કે,,પોલીસે આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકાના આધારે તેની ધરપકડ કરી હતી. માખન દીનને કસ્ટડીમાં એટલી ખરાબ રીતે માર મારવામાં આવ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. આ બે ઘટનાઓ બાદ કાશ્મીરમાં વાતાવરણ ગરમાયું છે.
વિપક્ષી પાર્ટીઓએ સરકારની કરી ટીકા
કાશ્મીરમાં વધતા પ્રતિબંધો અંગે ઘણા પક્ષોએ સરકારની ટીકા કરી છે. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને અપની પાર્ટી સહિત અનેક પક્ષોએ વસીમ મીરના મૃત્યુ અને માખન દીનના કસ્ટોડિયલ મૃત્યુની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઇઝ ઉમર ફારૂકે કહ્યું કે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન ક્યારેય બંધ થયું નથી. તેમણે સરકાર પર વિરોધનો અવાજ ઉઠાવનારાઓને નજરકેદ કરવાનો અને મામલો દબાવવાનો આરોપ લગાવ્યો.
મહેબૂબા મુફ્તીને પાંચમી વખત નજરકેદ કરવામાં આવ્યા
આ પહેલી વાર નથી જ્યારે મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવી હોય. વર્ષ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ મહેબૂબાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ પછી, તેમને 2021 અને 2023 માં અલગ અલગ પ્રસંગોએ નજરકેદ પણ કરવામાં આવ્યા હતા.જયારે 2024 માં, ‘શહીદ દિવસ’ પર પણ, તેમને ઘરની બહાર જવાની મંજૂરી નહોતી. હવે ફરી એકવાર મહેબૂબા અને તેની પુત્રી ઘરમાં બંધ છે. આ ઘટનાઓ કાશ્મીરમાં લોકશાહીની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરી રહી છે. તે જ સમયે, સરકાર દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.

