ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ચાર ભારતીય નાગરિકોને કેનેડાની સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. અહેવાલો અનુસાર, નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક અને પૂરતા પુરાવાના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી ૧૧ ફેબ્રુઆરીએ થશે. આ કેસમાં, કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જૂન 2023 ની ઘટનાએ આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો કર્યો
જૂન 2023 માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ આ મામલો વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને પુરાવા માંગ્યા છે, જે કેનેડા અત્યાર સુધી આપી શક્યું નથી.

