ચેન્નાઈના મરિના એર ફિલ્ડ ખાતે યોજાયેલા એર શો દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર શો દરમિયાન શ્વાસ રૂંધાવાથી પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ગરમીના કારણે 100થી વધુ લોકોની તબિયત લથડી હતી. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હીટ સ્ટ્રોકના કારણે એક વ્યક્તિનું મોત થયું..
તેની 92મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેનાએ આજે તમિલનાડુમાં ચેન્નાઈ મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કર્યું હતું. 21 વર્ષમાં પ્રથમ વખત ચેન્નાઈએ એરફોર્સ ડેની ઉજવણીનું આયોજન કર્યું. કાળઝાળ ગરમી વચ્ચે એર શો જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. એર શોમાં લગભગ 15 લાખ લોકોએ ભાગ લીધો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,, એર શો પૂરો થયા બાદ ભારે ગરમીના કારણે ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા. આ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં મૃતકોમાં વી કાર્તિકેયન (34), ડી. જોન (56), શ્રીનિવાસન, દિનેશ કુમારનો સમાવેશ થાય છે. હજુ એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. બપોરે શો પૂરો થયા પછી, મરિના એર ફિલ્ડમાંથી વિશાળ ભીડ બહાર આવી. જેના કારણે રસ્તાઓ, મેટ્રો અને રેલવે સ્ટેશનો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા.
લોકોનું કહેવું છે કે,,ટ્રાફિક અધિકારીઓની નબળી વ્યવસ્થાને કારણે લાખો લોકોને મરિના બીચ પરથી બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.. ઘણી જગ્યાએ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. સ્થળ પર પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે આકરી ગરમીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.. અને સેંકડો લોકોની તબિયત લથડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરિના એર ફિલ્ડમાં એર શો દરમિયાન એક મહિલાની હાલત બગડી હતી. ભીડ વચ્ચે મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

