
સરકારનો મોટો નિર્ણય : એસ.ટી. નિગમના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
સરકારે એસ.ટી. કર્મચારીઓની દીવાળી સુધારી
દિવાળી અને તહેવારોની સીઝન પહેલા પહેલા એસ.ટી.નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. જે અંતર્ગત એસ.ટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે 4 ટકાનો વધારો આપવાની જાહેરાત કરી છે. નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો છે અને હિન્દુઓના નવા વર્ષની ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં સરકારની આ જાહેરાત એસટી કર્મચારીઓ માટે ઘણી જ મહત્વપૂર્ણ છે..
મોંઘવારી ભથ્થા અને એરિયર્સ સહિત રૂ. 125 કરોડથી વધુના લાભ થશે પ્રાપ્ત
રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને આ નિર્ણયની જાહેરાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા એસ.ટી નિગમના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.

