
રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સંઘવીએ જણાવ્યું કે, નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગર થી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે. હર્ષભાઈ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે.

જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને ૨૫૦ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.
આધુનિક ફાયરસેફટી ધરાવતી સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ દેશની પ્રથમ બસ
આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં ૪૭ સીટીંગ કેપેસીટી, ૨x૨ લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

