પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં વાતાવરણ ખૂબ જ ગંભીર હતું.ત્યારે આ દરમિયાન કોર્ટે કહ્યું કે,,ઘટના સ્થળ સાથે છેડછાડ કરવામાં આવી છે. જેના કારણે કેટલાક પુરાવા નષ્ટ થવાનો ભય છે. સ્થિતિ એવી છે કે તપાસ શરૂ કરવી પણ એક પડકાર છે.
CBIનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘પીડિતાના અંતિમ સંસ્કાર પછી 11:45 વાગ્યે પ્રથમ FIR નોંધવામાં આવી હતી. પહેલા માતા-પિતાને કહેવામાં આવ્યું કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે. પછી મૃત્યુ વિશે જણાવ્યું. આ પછી જ્યારે પીડિતાના મિત્રોએ વીડિયોગ્રાફી કરવાનું કહ્યું તો તે કરવામાં આવ્યું ન હતું. તે સ્પષ્ટપણે લાગે છે કે આ કિસ્સામાં કંઈક ખોટું થયું છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચનું વલણ પણ કડક જોવા મળ્યું હતું. કોર્ટે બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું કે ક્યારે ખબર પડી કે તે અકુદરતી મૃત્યુનો કેસ છે. તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે તે બપોરે 1.45 કલાકે નોંધાયું હતું. આ પછી જ પોસ્ટ મોર્ટમ રિપોર્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
30 વર્ષની કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી : જસ્ટિસ પારડીવાલા
આ દરમિયાન જસ્ટિસ જેબી પારડીવાલાએ એમ પણ કહ્યું કે મેં 30 વર્ષમાં આવી ઘટના જોઈ નથી. તેમણે કહ્યું કે આ કેસમાં પોલીસે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું, કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે સવારે જ ખબર પડી ગઈ હતી કે આ અકુદરતી તપાસનો મામલો છે તો પછી ક્રાઈમ સીનને માર્ક કરવામાં અને કોર્ડન કરવામાં વિલંબ કેમ થયો? તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે એવું નથી. સમગ્ર ઘટના સ્થળની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

