નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
ગરીબી સામે લડવામાં તેમના કામ માટે ‘ગરીબના બેંકર’ તરીકે જાણીતા યુનુસ, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતા.
કોણ છે મોહમ્મદ યુનુસ ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી,,બેંકર તેમજ સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું.
1983માં ગ્રામીણ બેંકની સ્થાપના પણ કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.

