સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રો. રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો..રીલ્સ બનાવનાર પર રોષે ભરાયેલા પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, ‘લોકો એવા કપડાં પહેરે છે કે નજર ઝૂકી જાય છે. કોઈ પણ સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધી જાય છે તો સભ્યતા નષ્ટ થઈ જાય છે.’ આ દરમિયાન તેમણે સરકારને અપીલ કરી કે, આ પ્રકારની રીલ્સ પર પ્રતિબંધ મૂકો. ત્યાર પછી તેમણે જનસંઘના જમાનાથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની સુરક્ષાના સૂત્રોની પણ યાદ અપાવી હતી.
રામ ગોપાલ યાદવે કહ્યું કે,, ‘અમારા જમાનામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણથી ભણાવવામાં આવતું હતું..જ્યારે બાળક થોડું શીખી લેતું હતું ત્યારે તેને કહેવાતું કે, ‘કેરેક્ટર ઈઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. આજે સ્થિતિ એ છે કે અમુક પ્લેટફોર્મ અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ રીલ્સનું નામ લેવા ઈચ્છીશ. અનુમાનો અનુસાર આપણા યુવાનો રોજ સરેરાશ ત્રણ કલાક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા, અભદ્ર સીરિયલ્સ અને અભદ્ર પ્રોગ્રામ જોવામાં પસાર કરે છે.’
તેમણે વધુમાં કહ્યું કે ‘સાથે બેસીને વાતો કરવાથી, સાથે ભોજન કરવાથી પરિવારમાં પ્રેમ હોય છે.પરંતુ આજે તે નથી. લોકો સાથે બેસે તો છે પણ ફોનમાં વ્યસ્ત રહે છે. દરરોજ એવા સમાચાર જોવા મળી રહ્યાં છે કે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ, લગ્ન થયા જે બાદ યુવકે યુવતીની હત્યા કરી દીધી. આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.’

