22.6 C
Ahmedabad
Saturday, March 7, 2026

” મુખ્ય પ્રવાહમાં ખોવાઈ રહેલું આદિવાસી સમાજનું રાજકારણ ” – રોમેલ સુતરિયા 


ભારતના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ૨ જી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ કુલ ૧૯ જેટલા આદિવાસી સ્વતંત્ર સેનાનીઓ જેમણે આદિવાસી સમાજના હક અધિકારો અને બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે બળવો કર્યો હતો.તેમની જીવનીઓની કોમિક બૂકનું લોકાર્પણ કર્યું હતું. આઝાદી કા અમ્રુત મહોત્સવ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ આ પહેલ સરાહનીય કહી શકાય.પરંતુ અફસોસ આ ઐતિહાસિક પહેલ ગુજરાતના આદિવાસી યુવાનો સુધી પુરતી રીતે પહોંચી નથી તે આપણા સહુની સામૂહિક નિષ્ફળતા કહી શકાય.

બિરસા મુંડા , તિલકા માઝી , થલક્કલ ચાંથુ , બુધુ ભગત , તિરોત સિંહ , રાઘોજી ભાંગરે , સિદ્ધુ અને કાન્હુ મુર્મુ , રેન્ડો માંઝી અને ચક્ર બિસોઈ , રામજી ગોંડ , રોબિન હૂડ તરીકે ઓળખાતા ટાંટિયા ભીલ , માતમુર જામોહે , તાના ભગત , પુલિમાયા દેવી આવા અસંખ્ય આદિવાસી સ્વતંત્ર સેનાનીઓ , જેમણે વિવિધ રણનિતીઓ અને પોતાની સંઘર્ષમય યાત્રાઓ કરી આદિવાસી સમાજને એક સ્વતંત્ર દરજ્જો મળે ત્યાં સુધી અકલ્પનીય સંઘર્ષ કર્યો છે. સમય કાઢી આ મહાનુભાવોની જીવન યાત્રાનો દરેકે અભ્યાસ કરવો જોઈએ.

આમાંના મોટા ભાગના મહાનુભાવોએ તે હદે બ્રિટિશ રાજ અર્થાત સત્તા સામે સંઘર્ષ કર્યો કે કોઈ ને ગોળી મારી દેવામાં આવી તો કોઈને ફાંસી આપવામાં આવી તો કોઈને જેલમાં જ બીમારી ના નામે મારી નાખવામાં આવ્યા.છતા એક પણ આદિવાસી ક્રાંતિકારીએ સત્તા સામે નતમસ્તક થવાનું પસંદ કર્યું નહીં.

ઊભા રહો આ વાત તમે પણ કદાચ જાણતા જ હશો. તો હું શા માટે કરી રહ્યોં છું? હું રોમેલ સુતરિયા તો આદિવાસી પણ નથી તો મારે આ વાત શા માટે કરવી જોઈએ ? તમે વિચારી શકો છો હું પૈસા કમાવા માટે , સત્તા માટે , નેતા બનવા માટે કે લોકપ્રિય થવા માટે કદાચ આ બધું કરતો હોઈશ…! આ મામલે હું કોઈ જ દલીલ નહીં આપું કે આ હું શા માટે કરી રહ્યોં છું. તે તો તમે સમજદાર છો , સ્વતંત્ર છો તમે જ નક્કી કરતા રહો…!

પણ વાત જાણે એમ છે કે આ લેખના શીર્ષક ની દિશામાં વાત કરવી છે અને આ વાત કરવાનો મને હક તેટલા માટે હોવો જોઈએ કારણ જીવનના અમુલ્ય ૧૮ વર્ષ આદિવાસી સમાજના લોકો વચ્ચે વિતાવ્યા છે. ભાજપ , કોંગ્રેસ અને આપ , બી.ટી.પી. અને‌ હવે બાપ કે અનેક‌‌ આદિવાસી સામાજીક આગેવાનોની જીવન યાત્રાઓ નજીકથી જોવાનો અવસર મળ્યો છે. તેમની યાત્રાઓ માં સહભાગી થવાનો સુખ દુઃખમાં ઊભા રહેવાનો અવસર મળ્યો છે.

આઝાદી પહેલાં અને આઝાદી પછી આદિવાસી આંદોલનોના ઈતિહાસમાં વ્યાર સુગર ફેકટરનુ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાનું આદિવાસી આંદોલન જેનું નેતૃત્વ કરવાની માને જવાબદારી આપવામાં આવી હતી તે પણ ૨૫ વર્ષની ઉંમરે તે વ્યારા સુગર ફેકટરનુ આંદોલન બી.એ. દ્વિતીય વર્ષ ના આદિવાસી સમાજશાસ્ત્ર વિષય ડો. બી.આર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ ક્રમનો ભાગ છે., આદિવાસી સમુદાયને પડતી તકલીફો અને સરકારી નીતિઓ ઉપર ચિંતન અને સંવાદ જ નથી કર્યા , સ્થાનિક નાગરિકો સાથે ઊભા રહી જેલ ભોગવી હોય ત્યાં સુધી સંઘર્ષ માં ખભે ખભો મિલાવીને કે જરૂર પડીએ જવાબદારી આપવામાં આવે ત્યારે સ્વને બાજુએ મુકી જે તે સમયે નેત્રુત્વ કરી સત્તા અને રાજકારણના આક્રોશ નો ભોગ પણ બનતો રહ્યો છું.

આદિવાસી સમાજના મહાનુભાવોએ ભારતની આઝાદી અને કુદરતના સરંક્ષણ માટે જીવનના બલિદાન આપ્યાં છે ત્યાં સમુદ્રમાં ટીપાં સમાન આ સમાજ વચ્ચે રહીને નાના મોટા કાર્યો કરવાં તે મારા માટે ગૌરવની વાત રહી છે.

હક અધિકાર , સંસ્કૃતિ , જળ , જંગલ , જમીન , નદીઓ પહાડો ના સરંક્ષણ માટે સત્તા સામે આઝાદી પહેલાં અને પછી પણ બળવો કરતો આદિવાસી સમાજ પોતાનું સ્વતંત્ર રાજકારણ કરતો રહ્યો છે.તે રાજકારણ સાથેના કટ્ટરવાદી ઓળખની રાજનીતિ ના વિષયના મારા મતમતાંતરો યથાવત રાખું છું છતાં કહીશ આદિવાસી સમાજનુ સ્વતંત્ર રાજકારણ ખુબ જ મહત્વ ધરાવે છે.

૧૩ ડિસેમ્બર ૨૦૦૫ પહેલાં જંગલ જમીન ખેડતા આદિવાસીઓને કાયદેસર માન્યતા આપતા કાયદાનું અમલીકરણ કાયદો બન્યાને બે દશકા થવા આવ્યા પણ ૫૦% દાવાઓ હજુ કાયદેસરની માન્યતા મેળવી નથી શક્યા જે આ લાખો આદિવાસી પરિવારોને આત્મનિર્ભર બનાવે છે. મજુરી કરી પાઈ પાઈ બચાવતા આદિવાસી પરિવારોને પોન્ઝી (ચિટફંડ) કંપનીઓ લુંટી ગયા બાદ પણ પક્ષ વિપક્ષ ના પેટનું પાણી નથી હાલ્યું. કોરિડોર ના નામે વ્રુક્ષો નું નિકંદન અને જંગલોનો વિનાશ થયો પણ પ્રક્રુતિ પ્રેમીઓ કોઈ નવીન પ્રકારની ગુફામાં બંધ છે. આદિવાસી ઓળખ સાથે રિઝર્વ બેઠકો પરથી ચૂંટણી લડતા નેતાઓ જોઈ નથી શકતા સામાન્ય આદિવાસી પરિવારો યુવાનો જાતિનું પ્રમાણપત્ર મેળવવા હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્કોલરશીપ ના મળીએ શિક્ષણથી વંચિત રહેતા બાળકો ની તો સાંભળે કોણ? મોંઘુદાટ શિક્ષણ મેળવી રોજગારીને મ્રુગજળ બનતા જોતા યુવાનોની વ્યથા સાંભળે કોણ?

ખૈર મોટી મોટી સમસ્યાઓ વચ્ચે લાખોપતિ અને કરોડપતિ બનતા આદિવાસી યુવાનોની પણ યાત્રાઓ હું જોઈ રહ્યો છું. એક ગામમાં માંડ એક બે બાઈક હોતા એક જમાનામાં ત્યાં ઘેર ઘેર સ્પોર્ટ્સ બાઇક અને કાર ફરતી જોઈ રહ્યો છું.ઘણા કાચા માટીના મકાનોને પાકા બંગલાઓમાં પરિણમતાં પણ જોઈ રહ્યો છું.

૨૦૧૪ બાદ આવેલી રાજકીય આંધી માં ધ્વસ્ત થયેલા મુખ્ય ધારાથી માંડી આદિવાસી સમાજના આંદોલનકારીઓ , સંગઠનો , માનવ અધિકાર માટે સંઘર્ષમય સંસ્થાનો , બૌદ્ધિકો , ચિંતકો , લેખકોની અસ્તિત્વની લડાઈ વચ્ચે પ્રગતિશીલ આંદોલનોથી કટ્ટરવાદી તાકતો સાથે હાથ મીલાવી વિકાસ પથ ઉપર પુરઝડપે આગળ વધી રહેલા આદિવાસી નેત્રુત્વનો રાજકારણમાં થઈ રહેલો ઉપયોગ પણ જોઈ રહ્યો છું , પરંતુ તે સ્વતંત્ર આદિવાસી સમાજનો અવાજ ખતમ કરી જળ જંગલ જમીનની સંસાધનો , સંસ્કૃતિ માટેની તિલકા માંઝી , બીરસા મુંડા જેવા અસંખ્ય મહાનુભાવોના નામે આદર્શો અને વિચારોની વાતો સાથે અથવા ગરીબાઈમાં કરેલા સંઘર્ષથી થાકી ગયેલા ૮૦ અને ૯૦ ના દાયકાના આગેવાનોને મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો ના આકાઓ સામે આદિવાસીઓના સંઘર્ષના મહાન ઈતિહાસથી વિપરીત સત્તા સામે નતમસ્તક થઈ ઝૂકતા જોઈએ ત્યારે વિચાર આવે છે કે શું આ ડિપ્લોમેસી છે કે પછી અધોપતન…?

જળ , જંગલ , જમીન , નદીઓ , પહાડોના હક અધિકાર સંરક્ષણ માટે લડતો આદિવાસી સમાજ ઓળખના સર્ટિફિકેટ મેળવવા મથામણ કરવા લાગ્યો તે હદની વ્યવસ્થાની ચાલાકી શું આપણે સમજી નથી શક્યા ? જ્યાં ખોટા પ્રમાણપત્રોની ખરાઇ કરવાની હતી તેની જગ્યાએ ખરા આદિવાસીઓની તપાસ વિશ્લેષણ સમિતિ કરે છે અને તેની સામે પીન ડ્રોપ સાઈલેન્સ અને આવી નીતિ બનાવનાર રાજકીય પક્ષો ને અસહકાર આપવાની જગ્યાએ તેમની સાથે ઊભા રહેવું લગીરેય યોગ્ય નથી કારણ માત્ર વિરોધ નહીં ઘણી વાર અસહકાર જ આંદોલન માટે મહત્વનું હથિયાર બને છે.કલ્પના કરો બિરસા મુંડા , તિલકા માંઝી જેવા મહાનુભાવો એક તરફ હક અધિકાર માટે અંગ્રેજોની નીતિઓ સામે આંદોલન કરે અને બીજી તરફ અંગ્રેજોના કાર્યક્રમમાં કે આદિવાસી સમાજના કાર્યક્રમમાં અંગ્રેજો સાથે ઊભા રહે તો તમને કેવું લાગે જો તમને લાગે કે તે બરોબર છે તો ચર્ચા ને અવકાશ જ નથી પણ જો તમે કહેશો કે જેની સામે લડીએ છીએ જે નીતિઓ આપણો ભોગ લે છે તેના પ્રતિનિધિઓને સહકાર ના આપી શકાય તો મારી નજરમાં તમે સાચા ક્રાંતિકારી છો. બાકી આદિવાસીઓ ના આંદોલનો તોડનારા ગદ્દાર અર્ધસરકારી આંદોલનકારી છો જે આદિવાસીઓ ના સંઘર્ષમય વિરાસતને સત્તા સામે નતમસ્તક થઈ પોતાના સ્વાર્થ ખાતર તોડી રહ્યા છો કારણ તમે ભલે આદિવાસી છો આજે સમાજ બિરસા મુંડા ને યાદ કરે છે બિરસા મુંડા ની ગુપ્ત માહિતી અંગ્રેજોને આપી અંગ્રેજો સાથે બિરસા અને આદિવાસી સમાજનો સોદો કરનાર આદિવાસીને કોઈ યાદ કરતું નથી.

સંસાધનોની ભાગીદારી મેળવવાની જગ્યાએ સરકારી ગ્રાન્ટ અને ચૂંટણીના રાજકારણમાં કટકી મેળવવા સત્તા પક્ષ , વિપક્ષમાં બેસી મહાન ક્રાંતિકારી ઈતિહાસથી વિપરીત જતો સમસ્ત આદિવાસી સમાજ સંસાધનો ની લડાઈ ભુલી રહ્યો છે?

બિલકુલ નહીં સદંતર તેમ નથી. આ તો બજારની ભયંકર અસર છે કે જ્યાં શહેરીકરણ ની હવા લાગી કે સમગ્ર વિશ્વમાં સત્તા , રાજકારણ બજારની વસ્તુ બની ને રહી ગઈ છે ત્યારે ગરીબ‌ આગેવાનોનુ નેત્રુત્વ ટકવું મુશ્કેલ બની ગયું છે ત્યારે તેની અસર દરેક સમાજ અને વિચારધારા ના આંદોલનો , સંસ્થાઓ , સંગઠનો માં જોવા મળે છે. ગરીબ વર્ગ જેના હક અધિકારો માટેના આંદોલનો મધ્યમ અને ઊચ્ચ મધ્યમ વર્ગના નેતાઓ એ પણ કબજે કર્યા છે. જેના પરિણામ સ્વરૂપ આંદોલનો ના વિષયોથી જમીન વિહોણા , બેઘર આદિવાસી પરિવારોના મુદ્દાઓએ ઓળખની કટ્ટરવાદી રાજનીતિ એ લીધી છે. બાકી ગરીબની તો શું જાતિ અને શું ધર્મ? તેનો ધર્મ તો અને જાતિ તો રોટી , કપડા , મકાન છે , અને આદિવાસી સમાજનો મુખ્ય સંઘર્ષ સંસાધનો માં ભાગીદારી અને જળ , જંગલ , જમીન , નદીઓ , પહાડો ઉપર અધિકારો સુનિશ્ચિત કરવા રહ્યો છે.

તાજેતરમાં ઉભરેલા આદિવાસી અને આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનવિભાગ ના કર્મચારીઓ સાથે થયેલા વિવાદ બાદ તેઓને જેલ થઈ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિષય પહોંચ્યો પરંતુ આફસોસ કે ચર્ચાના કેન્દ્ર થી લાખો આદિવાસી પરિવારો જે રોજે રોજ વનવિભાગ સાથે ખેતી કરવા બાબતે અને પોતાના બે દશકા પહેલાં કરેલા દાવાઓ જંગલ જમીન ના અધિકારથી આજે પણ વંચિત છે તે બાબત મુખ્ય પ્રવાહના મિડિયા હાઉસથી જ નહીં આદિવાસી સમાજના આગેવાનો અને આંદોલનો થી દુર રહી.એક ધારાસભ્ય જંગલ જમીન બાબતે આદિવાસી પરિવારના હિતમાં સંવાદ કરે અને તેને કોર્ટ કચેરી અને જેલ ભોગવવી પડતી હોય તો ૧૯૨૭ માં બ્રિટિશ પાર્લામેન્ટ માં બનેલા જંગલ કાનુન બાદ અસ્તિત્વમાં આવેલા વન વિભાગ ના નીતિ નીયમો અને વલણ વિશે વધુ ચર્ચા કરવાનો અર્થ જ નથી રહેતો તે સામાન્ય સમજ ની વાત‌ છે કે અંગ્રેજોએ બનાવેલો વિભાગ અને કાયદો જંગલમાં શા માટે છે ? આ વાતનો સીધો જવાબ તો પક્ષ – વિપક્ષ દરેક આપવો જોઈએ જે આઝાદી બાદ આટલા દશકોથી સત્તામાં છે કે વિપક્ષ માં છે જવાબ આપે કે અંગ્રેજોએ બનાવેલો ૧૯૨૭ નો જંગલ લુટવા બનાવેલો જંગલ કાયદો આઝાદ ભારતમાં કેમ રદ્દ કરવામાં નથી આવ્યો ?

મધ્યમ વર્ગીય આદિવાસી નેત્રુત્વ શિક્ષણ અને ઓળખની રાજનીતિ બાબતે જેટલું સજાગ બન્યું છે તે જ નેત્રુત્વ ગરીબ જમીન વિહોણા બે દશકાથી સંઘર્ષરત લાખો આદિવાસી પરિવારોની પરિસ્થિતિથી વાકેફ જણાતું નથી. અંતરિયાળ વિસ્તારમાં બેંક ના પહોંચવાથી અવસરવાદી પોન્ઝી ચિટફંડ કંપનીઓ એ આદિવાસીઓની બેફામ લુંટ કરી છે . અરબો રુપિયા લુટનારા તેના માલિકો ને તમે ફરિયાદ કરી સજા કરાવો તો તે લુંટ માટે આઠ વર્ષથી વધુ ની સજા નથી? GPID act 2013 હોય કે BUDS act 2013 ના કાયદા મુજબ આવા ભોગ બનનાર પરિવારોને કંપનીની સંપત્તિ જપ્ત કરી નાણાં પરત કરવાનો પ્રાવધાન છે. લુંટ કરનાર માલિક ૧૦૦૦ કરોડની લુંટ કરશે તો શું તે બધી રકમની કંપનીના નામે સંપત્તિ ખરીદશે ? તેટલો મુર્ખ તો તે કૌભાંડી નહીં હોય ? ૧૦૦૦ કરોડની લુંટ સામે ૧૦૦ કરોડની સંપત્તિ પણ મળે તો શું બાકીના ૯૦૦ કરોડ ની જવાબદારી સરકાર લેશે ? કેવી રીતે આવા લાખો પીડિતોને નાણાં પરત કરાવશો તે વિશે કાયદામાં જ કોઈ પ્રાવધાન નથી.આ વિષય ઉપર કોણ બોલશે ‌? પક્ષ વિપક્ષ બધા ચુપ શા માટે છે ? આ શું સુચવે છે આપણી નીતિમાં અને ભોગ બનનાર પરિવારોને ન્યાય અપાવવા માટે પક્ષ વિપક્ષમાં બેઠેલા નેતાઓની રાજકીય ઈચ્છાશક્તિ જ નથી. લાખો પરિવારો ને બરબાદ કરનારાઓ ને આઠ વર્ષની જેલની સજા મજાક છે. ૧૦૦૦ કરોડની લુંટ પછી આઠ વર્ષની જેલ થાય તો તે આવી લુંટ ને પ્રોત્સાહન આપવા સમાન છે ? પછી શું ? આવી કંપનીઓમા લુટાએલા લાખો પરિવારો ને ન્યાય કેવી રીતે મળશે?

આવા અસંખ્ય વિષય સતત દરેક પક્ષના નેતાઓ , અધિકારીઓ , મિડિયા કર્મીઓ સાથે સહજ રીતે વિવિધ રણનિતીઓ સાથે રજૂ કરતો રહું છું. પણ અફસોસ સાથે કહીસ કે કટકી ની લાલચમાં જીવતા ઉચ્ચ મધ્યમ વર્ગના નેતાઓ હોય કે પોતાનો ક્રાંતિકારી ઈતિહાસ ભુલી ગયેલા આદિવાસી આગેવાનો સહું કોઈ નેત્રુત્વ ની સ્પર્ધામાં રાચતા હોય તેમ પોતાનું વલણ દાખવતા જોવા મળે છે.

અંતે કહીશ મુખ્ય પ્રવાહના રાજકારણમાં ગરીબ આદિવાસીઓના પ્રશ્નો આદિવાસી આંદોલનોથી પણ હાશિયે ધકેલાય રહ્યા છે તે જોઈ દુઃખનું મોજું ફરી વળે છે પરંતુ હજુ આદિવાસી નવ નેત્રુત્વને ઊભા કરવા વલખા મારતો હું ઘણો આશાવાદી છું યુવાનોમાં વિશ્વાસ ધરાવું છું કે ચોક્કસ એક યુવાન તો તેવો આદિવાસી સમાજમાં થી ઊભો થશે જે સત્તા સામે નતમસ્તક થવાની જગ્યાએ નીતિવિષયક કરોડો આદિવાસીઓના ઉત્થાન , કલ્યાણ અને સાચા વિકાસ માટે નો અવાજ બનશે. બહુ લાંબા સમય બાદ આ પ્રકારે લેખ લખી રહ્યો છું જે હવે અવારનવાર લખતો રહીશ કારણ આદિવાસી સમાજ એક માત્ર એવો સમાજ છે જે સમગ્ર દેશમાં માનવતાની અને પ્રક્રુતિ લક્ષી ચેતના વિકસીત કરવાની ક્ષમતા ધરાવે છે. જેને મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીઓ વોટબેંકથી વિશેષ જોઈ નથી રહી અને દિવસે અને દિવસે ક્રાંતિકારી આગેવાનો ને દલાલ બનાવી આદિવાસી આંદોલનો ખતમ કરી રહી છે. ત્યારે આદિવાસી યુવાનોએ પોતાનો ભવ્ય ક્રાંતિકારી સત્તા સામે નતમસ્તક ના થવા વાળો સ્વતંત્ર ઈતિહાસ યાદ કરી સારી નીતિઓ અને કાયદાઓ ઘડવા સ્વતંત્ર આદિવાસી રાજકારણ જીવંત રાખવું અતિ મહત્વનું છે તે સમજી ગરીબ આદિવાસીઓ વચ્ચે પહોંચી નેત્રુત્વ લેવું પડશે તે નક્કી છે.

તો ચાલો આપણે સહુ સાથે મળી સત્તા સામે નતમસ્તક કટાયેલા , કટકીબાજ નેતાઓને જાકારો આપી ક્રાંતિકારી આદિવાસી નવા નેત્રુત્વને ઊભું કરવા મથામણ કરીએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -