રમતગમતનો ભવ્ય કાર્યક્રમ, પેરિસ ઓલિમ્પિક 2024, આજથી શરૂ થશે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાત મેડલ જીત્યા હતા.આ વખતે ભારતીય ખેલાડીઓનો ઉદ્દેશ્ય મેડલની સંખ્યાને બે આંકડામાં લઈ જવાનો રહેશે
70 ભારતીય ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમશે
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ 117 ખેલાડીઓની ટુકડી પેરિસ મોકલી છે. જેમાંથી 70 ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમશે. 47 ભારતીય ખેલાડીઓ એવા છે કે જેમણે એક અથવા વધુ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ, લોવલિના અને પીવી સિંધુ પાસેથી મેડલની અપેક્ષા છે..
ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ જીત્યા છે
ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, નવ સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 2020 ટોક્યો ઓલિમ્પિક્સ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું હતું, જેમાં રાષ્ટ્રએ એક સુવર્ણ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા. આ વખતે ભારતીય એથ્લેટ્સ પોતાના દેશને બે આંકડામાં લઈ જવાનો પ્રયાસ કરશે.

