લોકસભામાં આજે વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો હતો.વિપક્ષી સાંસદોએ નારેબાજી કરીને પ્રદર્શન પણ કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ઠાકોરે ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસની ગંભીરતા લેવા માટેની જોરદાર રજૂઆત કરી હતી.
લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરતા ચાંદીપુરા વાયરસને જલ્દીથી જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી હતી. આ સાથે તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી.
“ચાંદીપુરાથી 15 ટકા દર્દીને જ બચાવી શકાયા છે”:ગેનીબેન ઠાકોર
લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાયા છે.
ગેનીબેને ઠાકોરે કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે. આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. જેથી તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે. વડાપ્રધાન અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે, ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.

