31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મુકેશ આંજણાનો મંત્ર: નવ યુગના નિર્માતા શ્રી રાજારામજી મહારાજ


પુસ્તક પરિચય -ડૉ. બાબુ પટેલ

મુકેશ આંજણા.

મળવા જેવો, માણવા જેવો અને વારંવાર મમળાવવા જેવો અદ્દભુત માણસ છે. જ્યારે પણ મળે ત્યારે નવી નક્કોર ચેતના લઈને મળે છે. એના વ્યક્તિત્ત્વમાં ગજબનું આકર્ષણ છે. ખરેખર તો મુકેશ તપ, તેજ અને તરવરાટના ત્રિવેણી સંગમ જેવો તેજસ્વી યુવાન છે. આ ત્રણેય ‘ત’ એને ખૂબ નાની ઉંમરે મળ્યા છે અને વારંવાર ફળ્યા છે. એ એની જીંદગીનું જમા પાસું છે.

ધાનેરાની ધરામાંથી પ્રગટેલું આ સાચું મોતી એની પોતીકી મસ્તી અને મિજાજમાં જીવે છે. એટલે જ તો એણે કોઈના નાવડામાં બેસવા કરતા પોતાની અલાયદી કેડી કંડારવી પસંદ કરી છે. અને સાહિત્યની આ કોમળ કેડી પર રંગ-રોમાંચથી સવા વેંત ઉપર ઉઠીને એણે ધર્મ-અધ્યાત્મનો અઘરો માર્ગ પણ પસંદ કર્યો છે. જે એની જીંદગીનો સૌથી મોટો પડકાર છે અને એમા એ હેમખેમ સફળ પણ થાય છે. શ્વેતબનાસના જનક ગલબાકાકાને શબ્દ દેહ આપી મુકેશ શિકારપુરાની વાટ પકડે છે અને ત્યાંથી આંજણા રત્ન સંત રાજારામનો જયઘોષ કરે છે.

ભગવાન રાજારામના જીવન ચરિત્રને ન્યાય આપવો ખરેખર ખૂબ અઘરો છે. તેમ છતાંય મુકેશ છબીમાં મઢેલા આ સંતને શબ્દોમાં મઢવાનું સાહસ ઉઠાવે છે. અને એમા શબ્દશઃ સફળ પણ થાય છે. સંત રાજારામનું જીવન, જીવન પ્રસંગો, સંઘર્ષ, સામાજીક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્થાન અને વ્યાપ-વિસ્તારની વ્યાપક છણાવટ કરે છે. ત્યારે એનો શબ્દ, શબ્દ ના રહેતા નવ યુગના નિર્માતા: શ્રી રાજારામજી મહારાજ ‘ની ચેતના બનીને રણઝણી ઉઠે છે.

ખરેખર તો એની પાસે પોતીકો શબ્દ, પોતીકો અર્થ અને પોતીકી કળા છે. એટલે જ રાજારામનું જીવન ચરિત્ર પુસ્તક કરતા પોતીકુ વધુ લાગે છે. અને ક્યાંક ને ક્યાંક આંજણાની અસ્મિતાનો ‘હું’ એમા વારંવાર ડોકાયા કરે છે. આ ‘હું’ થી ‘તું’ સુધીની યાત્રા જ આ પુસ્તકની સાચી સફળતા છે.

ભગવાન રાજારામ સાચા સંત છે. આંજણાના ઓરડે જન્મી આંજણાના ખોરડે મોટા થાય છે. પરંતુ માંહ્યલી મોટપ જાગ્યા પછી સુધારાનો ધાર્મિક માર્ગ પકડી શિકારપુરામાં ધૂણિ ધખાવે છે. અને ત્યાંથી જ એક નવી સામાજીક ક્રાંતિની શરૂઆત થાય છે. જેની વિગતે વાત ભાઈ મુકેશે પ્રસ્તુત પુસ્તકમાં કરી છે. મૂળે તો અઢારે આલમની સાથે સાથે આંજણાની અસ્મિતાને ઉજાગર કરવામાં એક માણસ માણસ મટીને ભગવાન બની જાય એનો મહિમા છે. અને ભગવાન રાજારામ એ કરી શક્યા છે. એટલે પ્રસ્તુત પુસ્તક માત્ર પુસ્તક ના રહેતા આંજણાની ગીતા તરીકે પણ પ્રગટે છે. ખરેખર તો એનો આનંદ અને રાજીપો છે.

કાળની થપાટ કે પાંગળી પરિસ્થિતિએ કદાચ આંજણાઓને અંધશ્રદ્ધા, વ્હેમ, કુરિવાજો કે વ્યસન તરફ ઢાળ્યા હશે. અને પછી ધીમેધીમે એ એક ઘરેડ કે પરંપરા બની ગઈ. ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. પરંતુ ઘરેડ એના કુંડાળા છોડીને યુવાનોને ભરખવા લાગી. એની ભારોભાર પીડા છે. એટલે જ તો રાજારામ ગાદીના સંતોએ જાહેરમાં આવવું પડ્યું અને સામાજીક ચેતનાની અહેલેક જગાવવી પડી. સંત રાજારામ ગામડે-ગામડે, ગલીએ-ગલીએ અને કુબે-કુબે ફર્યા છે. લોકોને સત્કર્મોમાં પાછા વાળવા રૂબરૂ જઈને મળ્યા છે. એટલું જ નહીં, પોતાનું સમગ્ર જીવતર આ પ્રજાના ઉત્થાન અને ઉત્કર્ષ માટે ખર્ચી નાખ્યું છે. ત્યારે એ માણસ મટીને ભગવાનનો દરજ્જો ધારણ કરે છે.

‘નવ યુગના નિર્માતા: શ્રી રાજારામજી મહારાજ’ પુસ્તકના એકએક પાનાથી જેમજેમ પસાર થતાં જઈએ તેમતેમ આપણો અહોભાવ અને અચરજ બેવડાતા જાય છે. ભાઈ મુકેશે સંત રાજારામના કેટલાય સાચુકલા પ્રસંગોને ઠાવકાઈથી આપણી સમક્ષ મૂકી આપ્યા છે. જેમા માત્ર રાજારામ જ નહીં, સમગ્ર માનવજાતનું પ્રતિબિંબ પડઘાયા કરે છે. જ્યોતિષની આગાહીથી માંડી સાધુ સુધીના પ્રસંગો, હાળી, ગવરીદેવી કે પેલા શિકારીનો પ્રસંગ, ગુરુસંગમ અને દ્વારકાની યાત્રા, મૌન વ્રત, મૃત હરણ કે તળાવના વિવિધ પ્રસંગો, બિકાનેરથી શિકારપુરા સુધીના મારવાડના કેટલાય પ્રસંગોને ભાઈ મુકેશે આબેહુબ મૂકી આપ્યા છે. અને એજ એની સાચી ગુરુ દક્ષિણા છે. પૂર્ણ સમર્પણ અને શ્રદ્ધાભાવથી પ્રત્યેક પ્રસંગને ઉલેચવામાં ભાઈ મુકેશે ક્યાંય કચાશ છોડી નથી. અને એ ઉઘાડું સત્ય આ પુસ્તક વાંચ્યા પછી તમને સમજાશે.

આ પ્રત્યેક ઘટનાઓ કે પ્રસંગોએ સંત રાજારામને ઘડ્યા છે. અને એમનું ઘડાયેલું જીવતર જ તમને કે મને ઘડવામાં ઉપયોગી થયું છે. એટલે જ સંત રાજારામ કોઈ એક વ્યક્તિના નહીં, પરંતુ બહોળા સમુદાયના આદર્શ છે અને રહેશે..!!

એમના સદ્દગુણો અને કેળવાયેલા જીવન ઉપર ભાઈ મુકેશે મસ્તીથી પ્રકાશ પાડ્યો છે. અને એ પ્રકાશ જ તમારા કે મારા ઘરમાં અજવાળા પાથરવા નિમિત્ત બનશે એવી શ્રદ્ધા અચૂક જન્મે છે.

આશા રાખું, આ નાનકડું પુસ્તક ગીતાની જેમ ઘરેઘરે ફરી વળે અને આવનારી પેઢીનું યુગો સુધી માર્ગદર્શન કરતું રહે એવી અણનમ શ્રદ્ધા સાથે ભાઈ મુકેશને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું..!

સંત રાજારામને અંતરથી વંદન..!

ભાઈ મુકેશને પુનઃ અભિનંદન..!!

(લેખક ગુજરાતી લોકસાહિત્યના ઊંડા અભ્યાસુ છે)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -