ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 75 વર્ષની વિધવા પર ગામના બે યુવકોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના શુક્રવાર-શનિવારની રાત્રે બની હતી, જ્યારે મહિલા ઘરની બહાર બનાવેલા ઝૂંપડામાં સૂતી હતી. મહિલાની ફરિયાદના આધારે ચૌરીચૌરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, 75 વર્ષીય મહિલાના પતિનું અવસાન થયું છે. તે એકલી રહે છે. તે ખેતરમાં ઝૂંપડું બનાવીને તેના ખેતરની રક્ષા પણ કરે છે. આવી સ્થિતિમાં ગામના જ બે યુવકો ઝિનક અને રઘુવંશીએ મોકો જોઈને રાત્રે વૃદ્ધ મહિલાના ઝૂંપડામાં પહોંચ્યા. જ્યારે મહિલાએ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો બંને યુવકોએ તેનું મોં બંધ કરી દીધું. બંનેએ મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
બંને આરોપીઓ હાલ ફરાર છે
ગ્રામજનોની મદદથી મહિલા શનિવારે ચૌરીચૌરા પોલીસ સ્ટેશન પહોંચી અને બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. ઘટના અંગે ચૌરીચૌરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. હાલ બંને યુવકો ફરાર છે, ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

