આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સતત પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનની સમાપ્તિ બાદ પીએમ મોદીએ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં જ ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક યોજી હતી. જેમાં લોક કલ્યાણકારી યોજનાઓ, લાભાર્થીઓ સાથે સંપર્ક અભિયાનની પ્રગતિ અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપે મિશન 400 પર ધ્યાન વધાર્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીની મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ શરૂઆતમાં જ કહી દીધું હતું કે તેમને જે કહેવું હતું તે તેઓ રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સંબોધનમાં કહી ચૂક્યા છે. મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીનું મુખ્ય ધ્યાન મુખ્ય પ્રધાનોને સાંભળવા પર હતું. બેઠકમાં, મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યોમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી, લાભાર્થીઓનો સંપર્ક કર્યો અને ગાંવ ચલો અભિયાન સહિત અન્ય ઘણા અભિયાનોની પ્રગતિ વિશે પણ માહિતી આપી.

