સ્વચ્છતા અભિયાન એક જન આંદોલન બની ગયું છે ત્યારે ગાંધીનગરના ડભોડા ગામના શ્રી એચ. એમ. વિદ્યામંદિરમાં દેશની આવનારી પેઢી એવા બાળકોને શાળા કક્ષાએથી જ સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષકો અને વાલીઓના ખાસ સહયોગથી શાળામાં અભ્યાસ કરતાં દરેક બાળકો સ્વચ્છતા બાબતે સજાગ બન્યા છે. શાળામાં દરેક ધોરણના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ સફાઇ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક કચરાને અલગ જ એકત્રિત કરે છે. જેનો દર બે દિવસે ગાર્બેજ વાન દ્વારા નિકાલ કરવામાં આવે છે. કાગળ, ઝાડના પાન, ડાળી પાંખડા વગેરેના કચરાને કંપોસ્ટ કરીને શાળા પરિસરના વૃક્ષોમાં જ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શાળામાં ગંદકી ન ફેલાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શાળાની પાણીની પરબના વધારાના પાણીને વૃક્ષો સુધી લઈ જવા માટે ખાસ નીકો બનાવી છે. આમ કરવાથી પાણીનો સદુપયોગ થાય છે, ગંદકી થતી નથી અને વૃક્ષોને પાણી પણ મળી રહે છે.
શાળાના આચાર્યશ્રી વિનોદકુમાર પાંડે સ્વચ્છતા બાબતે શાળાએ મેળવેલી સફળતા અંગે જણાવતા કહે છે કે શાળામાં નિયમિતપણે સફાઇ તો થાય જ છે પણ સાથે વિદ્યાર્થીઓને આ માટે સજાગ પણ કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે શાળા હોય કે ઘર સ્વચ્છતા રાખવી એ સૌની જવાબદારી છે. સૌના સહયોગથી જ સ્વચ્છતા અને હરિયાળી એ એમની શાળાની ઓળખ બની છે. શાળા પરિસરની નિર્મળતા મુલાકાતે આવનાર દરેકને શાંતિ પમાડે છે. સરકાર દ્વારા શાળાની સ્વચ્છતા બાબતની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૨માં ‘સ્વચ્છ શાળા’નો પુરસ્કાર અપાયો છે.
શાળાના વિદ્યાર્થી હિતેશ રબારી પોતાની શાળાની સ્વચ્છતા બાબતે ગર્વ લેતા જણાવે છે કે શાળાના કોઈ ખૂણે પ્લાસ્ટિક જોવા નહીં મળે. આ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સફાઇકર્મીઓએ સાથે મળીને કામ કર્યું છે. સ્વચ્છતા માટે શિક્ષકો દ્વારા અપાતાં પાઠ અંગે જણાવતા શાળાની વિદ્યાર્થિની માહી સોલંકી જણાવે છે કે શિક્ષકો દ્વારા સ્વચ્છતા બાબતે નિરંતર શિક્ષણ અપાય છે. તેઓ વધુમાં જણાવે છે કે શિક્ષકો દ્વારા ગંદકી અને તેને લીધે ઊભા થતાં સ્વાસ્થ્ય જોખમો વિશે પણ જણાવવામાં આવે છે. શ્રી એચ. એમ. વિદ્યામંદિર દ્વારા શાળા ઉપરાંત ડભોડા ગામને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા રેલી, સમૂહ ગ્રામ સફાઇ તેમજ જાગૃતિ માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં કરેલું સ્વચ્છતાનું આહ્વાન આજે લોકહૃદય સુધી પહોંચ્યું છે. લોકો અને સ્વૈછિક સંગઠનો ખુદ આગળ આવીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. ડભોડાની પ્રાથમિક શાળા પણ અન્ય શાળાઓ અને જનસમૂહ માટે સ્વચ્છાગ્રહની મિશાલ બની રહેશે.

