38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને 30થી 35 જેટલી થપાટો મારી ઢોરમાર માર માર્યો, વીડિયો વાયરલ થતા વિવાદ


સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કારગિલ ચોકની શાળામાં અભ્યાસ કરતી જુનિયર કેજીની વિદ્યાર્થિનીને શિક્ષક દ્વારા ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની એક ઘટના સામે આવી છે. બાળકીએ સરખી રીતે લખાણ ન લખ્યું હોવાને લઈને શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીને ઢોર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને બાળકીના વાલી દ્વારા શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી. શિક્ષણમંત્રીના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી શાળાએ પહોંચ્યા હતા અને શાળાના સંચાલકોને શિક્ષિકાને ફરજ મોકૂફ કરવાના આદેશ આપ્યા હતા.

સુરતના કાપોદ્રાના કારગિલ ચોક પાસે સાધના નિકેતન નામથી એક શાળા આવેલી છે. આ સાધના નિકેતન શાળામાં જશોદાબેન નામના શિક્ષિકા છેલ્લા 6 વર્ષથી જૂનિયર કેજીના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા. શિક્ષિકા દ્વારા જુનિયર કેજીમાં અભ્યાસ કરતી સાડા 4 વર્ષની એક બાળકીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવે છે. બાળકીએ અક્ષર સારા ન કર્યા હોવા કે પછી અન્ય કારણોસર બરાબર રીતે બુકમાં લખાણ ન લખ્યું હોવાને લઈને રોષે ભરાયેલા શિક્ષિકા જશોદાબેન દ્વારા બાળકીને પીઠના ભાગે થપાટો મારવામાં આવી હતી. અંદાજે 30થી 35 જેટલી થપાટો શિક્ષિકા દ્વારા બાળકીની પીઠના ભાગે થપાટો મારવામાં આવી હતી. આ ઉપરાંત, બેથી ત્રણ ચીમટા પણ ભરવામાં આવ્યા હતા અને ગાલના ભાગે 2 થપ્પડ પણ મારવામાં આવી હતી.

બાળકી જ્યારે ઘરે પહોંચી અને યુનિફોર્મ બદલતી હતી ત્યારે બાળકીની પીઠના ભાગે લાલ કલરના કેટલાક નિશાન ઉપજી ગયા હતા, જેથી બાળકીની માતાએ બાળકીને આ બાબતે પૂછતા શિક્ષિકા દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેથી બાળકીની માતા તાત્કાલિક જ શાળાએ આવ્યા હતા અને શિક્ષકોને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ શાળા દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરતા શિક્ષિકા દ્વારા બાળકીને મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ ઘટનાને લઈને શિક્ષિકાની ભૂલ જણાતા શાળાના સંચાલકો દ્વારા તાત્કાલિક જ શિક્ષિકા પાસે રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતા તેમને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દરજી તાત્કાલિક જ સાધના નિકેતન શાળાએ પહોંચ્યા હતા અને શાળાના આચાર્ય સાથે આ ઘટનાને લઈને વાતચીત કરી હતી અને શાળાને સૂચના આપવામાં આવી હતી કે શિક્ષકને ફરજમાંથી મોકૂફ કરવામાં આવે અને નાના બાળકોને હોમવર્કને લઈને આજે માર મારવાની ઘટના સામે આવી છે, તેવી ઘટના હવે ન બનવી જોઈએ તેવી કડક સૂચના પણ શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, શિક્ષણ અધિકારી દ્વારા અન્ય શાળાઓને પણ અપીલ કરવામાં આવી હતી કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ પરિપત્ર શાળાઓએ વાંચવા જોઈએ અને આ પરિપત્રોનું પાલન કરાવવું. શિક્ષણ અધિકારી દ્વારા આ ઘટનાને દુઃખદ ગણાવવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -