અમદાવાદના ગોતા વિસ્તારમાં લગ્નના 3 વર્ષ બાદ મનમેળ ન થતાં પિતા પાસે રહેવા આવેલી પરિણીતાને પતિએ દારૂ પીને ધમકી આપી હતી કે, હું મારી દીકરીને લઈ જઈશ, તું બહાર નીકળીને બતાવ તારા હાથ-પગ ભાંગી નાંખીશ. પતિની ધમકીને પગલે પત્નીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મીડિયા અહેવાલ મુજબ, ગોતા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2011માં સમાજના રીતરિવાજ મુજબ પરિમલ રાવળ નામના શખ્સ સાથે થયા હતા. લગ્નજીવનથી તેમણે એક દીકરી છે. લગ્નના 3 વર્ષ બાદ પતિ-પત્ની વચ્ચે મતભેદ થતા ઝઘડા થવા લાગ્યા હતા. આથી પરિણીતા કંટાળીને પિતાના ઘરે રહેવા લાગી હતી. દરમિયાન પતિ દારૂ પીને સાસરીમાં ગયો હતો અને પરિણીતાને ધમકી આપી હતી.
પરિણીતાએ પતિને ઝઘડો ન કરવાનું કહેતા ઉશ્કેરાયો હતો
પતિએ દારૂ પીને પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, હું મારી દીકરીને લઈ જઈશ. જો કે, પરિણીતાએ પતિને ઝઘડો ન કરવા અને અહીંથી જતા રહો તેમ કહેતા પતિ ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું કે, તું ઘરની બહાર નીકળશે તો તારા હાથ-પગ ભાંગી નાખીશ. પતિની ધમકીના પગલે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

