સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર રસ્તા નજીક બેફામ આવતા એક ડમ્પરચાલકે અકસ્માત સર્જીને મહિલા પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મોત નિપજ્યું છે. તેમના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે ઇચ્છાપોર પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ મહીસાગર જિલ્લાના વતની અને હાલ સુરતના કવાસ ગામ ખાતે 31 વર્ષીય પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા પરિવાર સાથે રહેતા હતા. તેમને એક 9 વર્ષનો પુત્ર અને 7 માસની દીકરી છે. તેઓ છેલ્લા 6 વર્ષથી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. હાલમાં તેમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોપવામાં આવી હતી. ગુરુવારે પ્રેમીલાબેન ડીસીપી ટ્રાફિક ઓફિસ ખાતે મીટિંગ હોવાથી ત્યાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન ઇચ્છાપોર વિસ્તારમાં ચાર રસ્તા નજીક બેફામ આવતા એક ડમ્પરચાલકે પ્રેમીલાબેનની મોપેડને પાછળથી ટક્કર મારી હતી.
પોલીસ બેડામાં શોકનો માહોલ
આ અકસ્માતમાં પ્રેમીલાબેનનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલા કોન્સ્ટેબલના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે જ્યારે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

