સાલ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ચીને કાબુલમાં પૂર્ણ સમયના રાજદૂતની નિમણૂક કરી છે. આવું કરનાર ચીન પ્રથમ દેશ છે. આ વાતની પુષ્ટિ કરતા તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, ચીનના નવા રાજદૂત ઝાઓ જિંગ તાલિબાનના પ્રધાન મોહમ્મદ હસન અખુંદને મળ્યા હતા.
અફઘાનિસ્તાનમાં ચીનના નવા રાજદૂતે નવા મિશન માટે ખુશી વ્યક્ત કરી
તાલિબાન વહીવટીતંત્રના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક સમારોહ દરમિયાન વડાપ્રધાન અને અફઘાનિસ્તાનમાં ચીનના નવા રાજદૂત ઝાઓ જિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં બંનેએ એકબીજા સાથે વાત કરી હતી. અફઘાનિસ્તાનમાં ચીનના નવા રાજદૂતે તેમના નવા મિશન પર ખુશી વ્યક્ત કરી.
‘નવા રાજદૂત તરીકે કામ કરવું મારા માટે સન્માનજનક‘
તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત તરીકે મારું કામ શરૂ કરવું મારા માટે સન્માનની વાત છે. તેમણે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. ઝાઓ જિંગ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અલ્હાજી મુલ્લા મોહમ્મદ હસન અખુંદને અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે, તાલિબાને ઓગસ્ટ, 2021માં કાબુલ પર કબજો કર્યો હતો. તે સમયે અફઘાનિસ્તાનમાં 73 રાજકીય પક્ષો નોંધાયેલા હતા. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી, આ તમામ રાજકીય પક્ષો અર્થહીન બની ગયા અને હવે તેમની કામગીરી પર પણ સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

