ગયા બુધવારે વિમાન દુર્ઘટનામાં મળેલા મૃતદેહોના જેનેટિક ટેસ્ટિંગ બાદ રશિયાએ યેવગેની પ્રિગોઝિનના મૃત્યુ પર મોટો ખુલાસો કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, રશિયન સત્તાવાળાઓએ જેનેટિક ટેસ્ટિંગ બાદ વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિનના મૃત્યુની પુષ્ટિ કરી છે.
વિમાન દુર્ઘટનામાં મળેલા મૃતદેહોનો જિનેટિક ટેસ્ટ કરનારી ટીમે કહ્યું કે તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે પ્લેનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે. રિપોર્ટ અનુસાર, તેણે દાવો કર્યો હતો કે અકસ્માતના તમામ પીડિતોના નામ પેસેન્જર લિસ્ટમાં સામેલ લોકો સાથે મેળ ખાય છે. તેમ જ તમામ 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.
10 લોકોના મોતની પુષ્ટિ થઈ
ઉલ્લેખનીય છે કે, બુધવારે રશિયાની રાજધાની મોસ્કોના ઉત્તરમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં કુલ 10 લોકોના મોત થયા હતા. આ વિમાનમાં વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિન પણ સવાર હતા. હવે રશિયાએ જેનેટિક ટેસ્ટિંગના આધારે આ વાતની પુષ્ટિ કરી છે.
પુતિને દુઃખ વ્યક્ત કર્યું
જણાવી દઈએ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્લેન દુર્ઘટનામાં યેવગેનીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા તમામ મુસાફરોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપતાં પ્રિગોઝિનને પ્રતિભાશાળી ઉદ્યોગપતિ ગણાવ્યા. આ સાથે, ક્રેમલિને પશ્ચિમી દેશોના દાવાઓને નકારી કાઢ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુતિનના આદેશ પર પ્રિગોઝિનની હત્યા કરવામાં આવી હતી.

