નિર્માણાધીન દિવાલ અચાનક ધસી પડતા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો. દિવાલ પાસે બેઠેલા 11 મજૂરો તેમાં દટાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના રાજધાની ઈસ્લામાબાદના બહારના વિસ્તારમાં બની હતી. અહીં એક નિર્માણાધીન બ્રિજ પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. આ મામલો બુધવારની વહેલી સવારનો હોવાનું કહેવાય છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 11 લોકો મજૂર હતા.
પાકિસ્તાનની પોલીસ અને બચાવ અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે મજૂરો બાંધકામ સ્થળ પર રોડ કિનારે લગાવેલા તેમના તંબુની અંદર બેઠા હતા ત્યારે દિવાલ તૂટી પડી હતી. સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ અકરમ અને ઈમરજન્સી સર્વિસ રેસ્ક્યુ 1122એ જણાવ્યું કે ગોલરા પાસે વરસાદને કારણે એક ઈમારત ધરાશાયી થઈ અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. પાકિસ્તાનમાં 25 જૂનથી ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં હવામાન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે.
આરામ કરતી વખતે તંબુ પર પડ્યું મોત
વરસાદને કારણે પૂર્વી પંજાબ પ્રાંતમાં ઘણી નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે, સેંકડો ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને ઓછામાં ઓછા 15,000 લોકો વિસ્થાપિત થયા છે. એવી આશંકા છે કે વરસાદ અને પૂરના પાણી દિવાલમાં ઘૂસવાને કારણે, તે ધીમે ધીમે નબળી પડી અને પછી અચાનક મજૂરો પર પડી. દિવાલ પડી ત્યારે મજૂરો તંબુમાં આરામ કરી રહ્યા હતા. પરંતુ દિવાલ તેમનું મૃત્યુ બનીને આવી. તેમાં દટાઈ જવાથી તમામ મજૂરોના મોત થયા.

